અમરેલી11 ઓગસ્ટ (હિ.સ.)
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા “ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત શહેરમાં વ્યાપક સ્વચ્છતા જાગૃતિ ફેલાવવા માટે વિશાળ સમૂહ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં શહેરના નાગરિકો, નગરસેવકો, વિવિધ NGO તથા સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
શહેરના મુખ્ય માર્ગો, બગીચાઓ, બજાર વિસ્તારો તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી. કચરાનું સંકલન, કચરાપેટી વ્યવસ્થા, તેમજ નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે પ્રચાર પત્રકોનું વિતરણ કરવામાં આવ્યું. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું કે સ્વચ્છતા માત્ર તહેવાર પૂરતી નહીં પરંતુ દૈનિક જીવનનો ભાગ બની રહે તે માટે આ પ્રકારના ઝુંબેશો મહત્વપૂર્ણ છે.
આ કાર્યક્રમ દ્વારા “સ્વચ્છ ભાવનગર – સુંદર ભાવનગર”નો સંદેશ શહેરવાસીઓ સુધી પહોંચાડવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગા લઈ સ્વચ્છતાનો સંકલ્પ કર્યો અને નાગરિકોને ઘરો તેમજ આસપાસનું પરિસર સ્વચ્છ રાખવા પ્રેરિત કર્યા. મહાનગરપાલિકાએ તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરી આવનારા સમયમાં પણ આવા પ્રયાસો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai