મહેસાણા Gujarat, 11 ઓગસ્ટ (હિ.સ.)
પ્રકૃતિના સંરક્ષણ અને જમીનની ઉર્વરતા જાળવવા માટે પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર ઉપાય હોવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ધરતીપુત્રોને આહ્વાન કર્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીના વ્યાપમાં વધારો કરવા સતત પ્રયત્નશીલ છે.
પ્રાકૃતિક કૃષિ અપનાવનાર ખેડૂતોને શરૂઆતમાં જમીનના ઓછી જૈવિક ગુણવત્તાને કારણે પાકમાં જીવાતોનું પ્રમાણ વધે છે. આ માટે રાસાયણિક દવાઓના બદલે પ્રાકૃતિક જંતુરોધકોનો ઉપયોગ કરવો જરૂરી છે. તેમાં દસપર્ણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર મુખ્ય છે.
દસપર્ણી અર્કથી તમામ પ્રકારના કીટક અને ફૂગનું નિયંત્રણ થાય છે, જ્યારે નિમાસ્ત્ર ચૂસિયા જીવાતો અને નાની ઈયળો માટે અસરકારક છે. મોટા કીડા તથા મંકોડાના નિયંત્રણ માટે બ્રહ્માસ્ત્ર ઉપયોગી છે, જ્યારે અગ્નિઅસ્ત્ર ઈયળો તથા ફળને નુકસાન કરતી જીવાતોને દૂર કરે છે.
આ તમામ જંતુરોધકો ઘરેલું અને પ્રાકૃતિક રીતે તૈયાર કરી શકાય છે, જેના માટે દેશી ગાયનું ગૌમૂત્ર, છાણ, વિવિધ ઔષધીય પાન તથા મસાલાની સામગ્રીનો ઉપયોગ થાય છે. સમયસર અને યોગ્ય પદ્ધતિથી છંટકાવ કરવાથી પાકનું સંરક્ષણ થવાથી સાથે સાથે જમીનની આરોગ્યતા પણ જળવાઈ રહે છે.
પ્રાકૃતિક ખેતી માત્ર પાકની ગુણવત્તા વધારતી નથી, પરંતુ પર્યાવરણનું સંતુલન અને ખેડૂતોનું આર્થિક સ્વાવલંબન પણ સુનિશ્ચિત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR