ભુજ - કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) ગાંધીધામ આદિપુર અને ગાંધીધામ મહાનગરપાલિકાને જોડતા ગ્રામીણ વિસ્તાર સહિતમાં સરકારી સ્થાનિક પરિવહન સુવિધાના નામે મીંડું છે. મહાનગરપાલિકાના 110 કિલોમીટર વિસ્તારમાં નાગરિક પરિવહન માટેની કોઈ સરકારી સુવિધા નથી. પરિણામે લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાઅ જવા માટે ખાનગી વાહનો કે શટલિયાનો ઉપયોગ કરવો પડે છે. જે જોખમી અને મોંઘી સવારી બને છે. અગાઉ સ્થાનિક પરિવહન માટે મહાનગરપાલિકાએ લોકોની આ મુશ્કેલીઓને ધ્યાને લઈને રાજ્ય સરકાર પાસે 80 ઇ-બસ માંગી હતી. સરકાર બસ આપવા તૈયાર છે, પણ ડેપો બનાવવા માટેની મહાનગરપાલિકા પાસે જગ્યા નથી. દીનદયાલ પોર્ટ ઓથોરિટી પાસે જમીન માંગવામાં આવી છે અને તેની રાહ જોવાઇ રહી છે. જો વ્યવસ્થિત જગ્યા સાથે જમીન મળે, તો એક સારી એવી નાગરિક પરિવહન વ્યવસ્થા ઊભી થઈ શકે તેમ છે.
વર્ષો અગાઉ એસઆરસીની લાલ બસ દોડતી હતી
ગાંધીધામ સંકુલમાં વર્ષો અગાઉ સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન - એસઆરસી દ્વાર લોકોની પરિવહન મુશ્કેલીઓ હળવી કરવા માટે લાલ બસ ચલાવવામાં આવતી હતી. છેલ્લી બસ રાત્રિના બાર વાગ્યાની આસપાસ ચલાવવામાં આવતી હતી. ત્યારબાદ એસઆરસી દ્વારા આ બસ સેવા બંધ કરવામાં આવી હતી તે પછી નાગરિક પરિવહનની માટેની કોઈએ પહેલ કરી નથી.
કચ્છની મહાનગરીમાં સીએનજી પમ્પ નથી!
થોડાં વર્ષ પહેલાં નગરપાલિકાએ અમુક કલાકો પૂરતી બસ ચલાવી હતી. મંજૂરી લેવામાં ખામીઓ, ક્ષતિઓ રહી ગઈ હતી જેથી આખી યોજનાનું બાળ મરણ થઈ ગયું હતું. ત્યારબાદ સરકારે સામેથી નાગરિક પરિવહન માટે નગરપાલિકાને કહ્યું હતું પ્રથમ સીએનજી બસ ચલાવવાની વાત હતી, પરંતુ અહીં સીએનજી પમ્પ નથી ત્યારબાદ ડીઝલ બસની માગણી કરી હતી, જેને સરકારે નકારી હતી તે પછી કોન્ટ્રાક્ટર બસો ચલાવે તે રીતનો પ્રસ્તાવ આવ્યો હતો, પણ તેમાં કોઈ ટેન્ડર ભરે તેવી સંભાવના નહિવત્ હતી. એટલે પરિવહનની કોઈ વ્યવસ્થા ઊભી થઈ શકી નથી.
ત્રણ એકરમાં બસ ડેપો બનાવવો પડે
મહાનગરપાલિકા આવ્યા પછી અધિકારીઓએ પ્રયાસ કર્યા હતા, જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા 80 બસ આપવા માટેની તૈયારીઓ દર્શાવી છે તેની સાથે સાથે ત્રણ એકરમાં ડેપો બની શકે તેવી જગ્યાની જરૂરત પણ માગવામાં આવી છે. જ્યાં ચાર્જિંગ તેમજ વર્કશોપ સહિતની વ્યવસ્થાઓ પણ ઊભી થઈ શકે તે જરૂરી છે, જેના પગલે મહાનગરપાલિકા દ્વારા દીનદયાલ પોર્ટ ઓથોરિટી પાસે જમીનની માગણી કરવામાં આવી છે. યોગ્ય જગ્યાએ જમીન મળી રહે, તો લગભગ છ લાખની આસપાસની જનસંખ્યા માટે સારી એવી નાગરિક પરિવહન વ્યવસ્થા ઊભી થઈ શકે તેમ છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટી અને સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન પાસે જમીન માટે કચ્છથી લઈને દિલ્હી સુધી માંગ થવી જરૂરી છે ને આ માટે જન પ્રતિનિધિઓ સક્રિયતા દાખવે તે અતિ આવશ્યક હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA