ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.): વિશ્વભરમાં સિંહોના સંરક્ષણ અને તેમના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત તાલાલા ગીર ખાતેની સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન તેમજ જૈવિક મહત્વ અને સ્થાનિક પર્યાવરણમાં સિંહોની ભૂમિકા વિશે માહિતગાર કરવાનો હતો. આચાર્ય કિર્તીગીરી મેઘનાથીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ગીર એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર છે અને આપણી આ કોલેજ પણ સિંહોના ગઢ એવા ગીર વિસ્તારમાં આવેલી છે. જેથી કોલેજના વિદ્યાર્થીઓ તરીકે તેમજ અહીંના નાગ ખપરિક હોવાના કારણે આપણા સૌની સહિયારી જવાબદારી છે કે આપણે આ પ્રજાતિના સંરક્ષણમાં સક્રિય યોગદાન આપીએ.
રેન્જ ફોરેસ્ટ ઓફિસર દિલીપ પંપાણીયાએ સિંહોના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા કરવામાં આવતા પ્રયાસો વિશે ઊંડાણપૂર્વક વાત કરતાં સિંહોની વર્તણૂક તેમના જીવન ચક્ર અને માનવ તેમજ સિંહોના પરસ્પર સંઘર્ષને ઘટાડવા માટે લેવામાં આવતા પગલાં વિશે માહિતી આપી હતી. આ તકે, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ તમામ કર્મચારીઓએ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે શપથ લીધા હતા. જેમાં ઉપસ્થિત સર્વેએ સિંહોના કુદરતી નિવાસ સ્થાનનું રક્ષણ કરવા અને સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કોલેજ દ્વારા કેમ્પસથી શરૂ કરી અને તાલાલા ગીરના મુખ્ય માર્ગો પર વિશાળ રેલી યોજાઇ હતી જેમાં વિદ્યાર્થીઓએ બેનર્સના માધ્યમથી સિંહ સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીનો સંદેશો આપ્યો હતો. અંતમાં ડોક્ટર ધર્મેશકુમાર વાવૈયાએ સિંહ સંરક્ષણના મહત્વ પર વિસ્તૃત વાત કરી અને આભારવિધિ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ