પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.): હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી બી.ડી.એસ આર્ટ્સ, સાયન્સ, કોમર્સ કોલેજ, પાટણમાં એન.એસ.એસ અને યુવા વિભાગના સંયુક્ત ઉપક્રમે અખંડ ભારત સંકલ્પ દિન ઉજવાયો. કાર્યક્રમમાં કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. કમલભાઈ પંડ્યા, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય વક્તા ભરતભાઈ ચૌધરીએ જંબુદ્વીપથી વર્તમાન ભારત સુધીની યાત્રા વર્ણવી અને ભારતના વિભાજનની ઐતિહાસિક માહિતી આપી. તેમણે જણાવ્યું કે આજના વિભાજિત પ્રદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના દર્શન થાય છે અને અખંડ ભારતની સંકલ્પના સાકાર કરવા માટે લોકોની માનસિકતામાં પરિવર્તન લાવવું આવશ્યક છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અખંડ ભારત માટે સંકલ્પ લીધા હતા. સાથે અખંડ ભારત અને વર્તમાન ભારતના વિભાજન દર્શાવતા ચિત્રોનું પ્રદર્શન પણ યોજાયું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડૉ. પારસભાઈ ખમારે કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર