પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.): શંખેશ્વર ખાતે શ્રી પાર્શ્વનાથ પ્રભુના 52 જિનાલયની બાજુમાં 700 વર્ષ જૂનું પાતાલેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. શ્રાવણ માસ દરમિયાન અહીં વહેલી સવારે બ્રાહ્મણો દ્વારા 1008 બીલીપત્ર સાથે મહાપૂજા કરવામાં આવે છે અને અમાસે હવન યોજાય છે. મહંત રાજભારથી બાપુના જણાવ્યા મુજબ, આ શિવાલયમાં હજારો લોકોની મનોકામના પૂર્ણ થઈ છે.
ઐતિહાસિક માહિતી અનુસાર, મહંમદ ગઝનવી જ્યારે ગુજરાતમાં મંદિરોનો વિધ્વંસ કરી રહ્યો હતો ત્યારે શંખેશ્વરના ગ્રામજનોએ પાર્શ્વનાથ પ્રભુની વિશાળ પ્રતિમાને બળદગાડામાં મૂકી ગામ બહારના કૂવામાં સુરક્ષિત કરી હતી. ગઝનવીના સૈનિકોએ 52 જિનાલયની પ્રતિમાઓ ખંડિત કરી, પરંતુ પાતાલેશ્વર મહાદેવમાં પ્રવેશ કરી શક્યા નહોતા.
શ્રાવણ માસમાં શાસ્ત્રી ભરતભાઈ જોષી, બકાભાઈ જોષી, નરેશભાઈ પંડ્યા, દિલીપભાઈ રાવલ અને મહંત રાજભારથી બાપુ વિધિપૂર્વક મહાપૂજા કરે છે. અહીં જૈન સમુદાયના ઘણા લોકો પણ શિવજીની પૂજા કરે છે અને ઘી અર્પણ કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર