વલસાડ, 12 ઓગસ્ટ (હિ.સ.)-ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રથમ રાજ્યસ્તરીય સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો સમાપન સમારોહ યોજાયો હતો. આ અવસરે સમગ્ર રાજ્યમાં વલસાડ જિલ્લાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.રાજે એલ. ટંડેલને રાજ્યપાલના હસ્તે પ્રશંસાપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માન સમારોહમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા, પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશકુમાર, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ-ગાંધીનગરના અધ્યક્ષ હિમંજય પાલીવાલ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના વિશેષાધિકારી ડો.અવનીબા મોરી, કમિશનર શાળાઓની કચેરીના નિયામક પ્રજેશ આર.રાણા, સંયુક્ત નિયામક યતિન એસ. ચૌધરી અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સંસ્કૃતપ્રેમી વિદ્વાનો તથા શિક્ષણ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં સંસ્કૃત સપ્તાહ – 2025 અંતર્ગત તા.06/08/2025 ના રોજ કલેક્ટર કચેરીથી સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક શાળાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તા. 07/08/2025 ના રોજ સંસ્કૃત સંભાષણ દિવસ મુક્તાનંદ સંસ્કૃત પાઠશાળા ખાતે ઉજવાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ સરળ અને સ્વાભાવિક સંસ્કૃત સંવાદ પ્રસ્તુત કર્યા હતા. તા. 08/08/2025 ના રોજ સંસ્કૃત પ્રદર્શની જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ ખાતે યોજાઈ હતી, જેમાં સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ, શ્લોકોચ્ચારણ તથા પ્રાચીન ગ્રંથોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન જિલ્લા કલેક્ટર તથા જિલ્લા સંસ્કૃત સપ્તાહ સમિતિના અધ્યક્ષ ભવ્ય વર્મા દ્વારા આપવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવાના સંકલનથી આ કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા હતા.
આ ઉપરાંત જિલ્લામાં તમામ શાળાઓમાં સંસ્કૃત શ્લોક સ્પર્ધા, નાટ્ય પ્રસ્તુતિ, નિબંધ સ્પર્ધા તથા ક્વિઝ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ, ગૌરવ અને ઉપયોગિતા અંગેની જાગૃતિ ફેલાઈ હતી.
સંસ્કૃત સપ્તાહ – 2025ની આ સફળ ઉજવણી વલસાડ જિલ્લામાં ભાષા અને સંસ્કૃતિના પુનર્જાગરણ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે