વેડરોડ ગુરૂકુલ નજીકથી મળેલી 9 મહિનાની બાળકીને ગણતરીના કલાકોમાં માતા-પિતા સાથે પુનઃમિલન કરાવતી સિંગણપોર પોલીસ
સુરત, 12 ઓગસ્ટ (હિ.સ.): મૂળ બિહારનો પરિવાર સુરતમાં ફરવા આવ્યો હતો. ગત તા.10મી ઓગસ્ટના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં સુરતના સિંગણપોર ડભોલીના વેડરોડ સ્થિત સ્વા.મંદિર નજીકથી એક અંદાજિત 9 મહિનાની બાળકી ગેરસમજથી માતા-પિતાથી વિખૂટી પડી ગઈ હતી. બાળ
Surat


સુરત, 12 ઓગસ્ટ (હિ.સ.): મૂળ બિહારનો પરિવાર સુરતમાં ફરવા આવ્યો હતો. ગત તા.10મી ઓગસ્ટના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં સુરતના સિંગણપોર ડભોલીના વેડરોડ સ્થિત સ્વા.મંદિર નજીકથી એક અંદાજિત 9 મહિનાની બાળકી ગેરસમજથી માતા-પિતાથી વિખૂટી પડી ગઈ હતી. બાળકી રડતી હાલતમાં મળતા સ્થાનિક લોકોએ તેની જાણ સિંગણપોર પોલીસને કરી હતી.

સિંગણપોર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને બાળકીને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. સિંગણપોર પો.સ્ટેશનના પો.ઈન્સ્પેકટર વાય.બી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના પીએસઆઇ એ.જી.ચૌધરી, એએસઆઈ નિકિતાબેન, કોન્સ્ટેબલ શારદાબેન સહિતની ટીમે બાળકીના માતા-પિતાને શોધવા તજવીજ હાથ ધરી હતી. મહિલા પોલીસની 'શી ટીમ' દ્વારા બાળકીની તકેદારી સાથે આરોગ્ય અને મેડિકલ તપાસ માટે બાળકીને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી અને મોડી રાત્રે કતારગામ બાળાશ્રમ સ્થિત શિશુગૃહમાં બાળકીને લઈ જવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાને લઈને અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક લોકોની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં બાળકીની માતા અનુશાદેવી મૂળ બિહારના આરા જિલ્લાના બિહિયા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું.

બાળકીની માતાના જણાવ્યા મુજબ, તેઓ મૂળ બિહારથી પોતાની બહેનને મળવા માટે લિંડિયાડ આવ્યા હતા. બહેનના પરિવાર સાથે ગુરુકુલ મંદિરે ફરવા માટે આવ્યા હતા. મંદિર નજીક પહોંચતા તેઓએ લાગ્યું કે, તેમની બાળકી બહેનના પરિવાર સાથે છે. બાદમાં બાળકીને ગુરુકુલ ખાતે ભૂલી ગયા હોવાની જાણ થયા બાદ ફરી પાછા જઈ તપાસ કરતા બાળકી મળી ન હતી.

પોલીસ દ્વારા માતા-પિતાની પુષ્ટિ બાદ બાળકીને કતારગામ શિશુગૃહમાંથી પરિવારને સોપવામાં આવી હતી.

શી ટીમના ASI નિકિતાબહેને માત્ર પોતાની ફરજ જ નહીં, પરંતુ એક માતૃહ્રદયથી ભરેલું માનવતાનું અભૂતપૂર્વ ઉદાહરણ પુરૂ પાડયું હતું.

ASI નિકિતાબેને માત્ર પોલીસ અધિકારી તરીકે ફરજ નથી બજાવી, પણ બાળકીને જે રીતે માતૃવાત્સલ્યરૂપી પ્રેમની સાથે લાગણીઓને સમજવા પ્રયત્ન કર્યો. તે માનવતા અને સેવા ભાવનાની જીવંત ઝાંખી કરાવી હતી. પોલીસ માત્ર કાયદાનું નહી, પરંતુ કરુણાનું પણ પ્રતિબિંબ છે. નિકિતાબેન જેવા અધિકારીઓના કાર્યોથી શી ટીમ પર લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande