વડોદરા, 12 ઓગસ્ટ (હિ.સ.) વડોદરામાં 12 ઑગસ્ટ, 2025ના રોજ શહેર પોલીસએ કોંગ્રેસના કુલ 15 કાર્યકરોને અટકાયત કરી હતી. આ કાર્યકરોમાં ઋત્વિક જોષી અને કપિલ જોષી સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે. પોલીસે આપેલી પ્રાથમિક માહિતી મુજબ, કોંગ્રેસ કાર્યકરોએ શહેરના કેટલાક વિસ્તારોમાં વિના અનુમતિ LED સ્ક્રીન લગાવીને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના મતદાનમાં ગડબડી સંબંધિત પત્રકાર પરિષદનું પ્રસારણ કર્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ, LED સ્ક્રીન દ્વારા જાહેર સ્થળોએ વિડીયો પ્રસારણ કરવા માટે સ્થાનિક મ્યુનિસિપલ તથા કાયદાકીય અનુમતિ લેવી જરૂરી હોય છે. પરંતુ, કોંગ્રેસ કાર્યકરો તરફથી એવી કોઈ અનુમતિ લેવામાં આવી નહોતી. પરિણામે, પોલીસે સ્થળ પર પહોંચીને સ્ક્રીન બંધ કરાવી અને સંકળાયેલા કાર્યકરોને અટકાયત કરી લીધા.
ઘટનાસ્થળે થોડા સમય માટે રાજકીય તણાવ સર્જાયો હતો. કોંગ્રેસના અન્ય કાર્યકરો પોલીસે કરેલી કાર્યવાહી સામે વિરોધ નોંધાવતા સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસએ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે વધારાનો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
કોંગ્રેસ શહેર પ્રમુખ મંડળે આ કાર્યવાહીનો વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે, “આ લોકશાહી અવાજને દબાવવાનો પ્રયાસ છે. અમે માત્ર લોકો સુધી સાચી માહિતી પહોંચાડવા માગતા હતા.” બીજી તરફ, પોલીસે સ્પષ્ટ કર્યું કે તેમની કાર્યવાહી માત્ર કાયદાકીય નિયમોના ભંગને લીધે કરવામાં આવી છે, તેનો રાજકીય સાથે કોઈ સંબંધ નથી.
આ ઘટના બાદ વડોદરાના રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ ગઈ છે. કેટલાકે આને રાજકીય દબાણ ગણાવ્યું છે, જ્યારે કેટલાકે કાયદો અમલમાં હોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ આ મુદ્દે આગળ શું પગલાં ભરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya