પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જિલ્લા પોલીસવડાના અધ્યક્ષસ્થાને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં જિલ્લા પોલીસવડાએ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનપત્ર આપી બિરદાવ્યા હતા. પોલીસ અધિક્ષકની કચેરી ક્રાઈમ કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જુલાઇ-2025 માસના ક્રામ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા સારુ તથા આગામી સમયમાં આવનાર તહેવારો જેમાં 15 મી ઓગષ્ટના પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદરમાં થનાર હોય તથા જન્માષ્ટમીના લોકમેળા સંદર્ભે તથા ગણેશ ચતુર્થી સંદર્ભે ટ્રાફિક નિયમન અંગે તથા અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલ્કતોના ડીમોલીશન અંગે બાકી રહેલ કામગીરી અંગે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુન્હાઓનું પ્રમાણ ઘટાડવા એકશન પ્લાન અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
સદરહુ ક્રાઇમ કોન્ફરન્સમાં મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી. પોરબંદર શહેર ડિવીઝન તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુરાબા પોરબંદર હેડકવાર્ટર તથા નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ પોરબંદર ગ્રામ્ય ડીવીઝન તથા નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયા પોરબંદર એસ.સી., એસ.ટી. સેલ તથા રાણાવાવ ડીવીઝન તથા તમામ થાણા તથા બ્રાન્ચ અધિકારીઓ હાજર રહેલ.
તેમજ જુલાઇ -2025 માસમાં ગંભીર ગુન્હાના ભેદ ઉકેલી તથા ગંભીર ગુન્હાના ઘણા વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી તથા સાયબર ફ્રોડમાં ગયેલ રૂપિયા અરજદારોને પરત આપવાની સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં તેઓ સારી કામગીરી કરતા રહે તે સારુ પ્રોત્સાહનરૂપે પોલીસ કર્મચારીઓને પ્રશંસાપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓનું સન્માન પોરબંદરમાં જિલ્લા પોલીસવડા દ્વારાસારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. જેમાં સાયબર ક્રાઇમ પોલીસમથકના પોલીસ ઇન્સ્પેકટર એસ.આર.ચૌધરીએ ચાર્જ સંભાળ્યાના માત્ર ત્રણ મહિનામાં 74 જેટલી અરજીઓમાં રીફન્ડ માટે કોર્ટમાં અભિપ્રાય મોકલ્યો હતો જેમાં 63 લાખ 48 હજાર 246 રૂા.નું રીફન્ડ કરાવવામાં આવશે અને 184 જેટલી સી-અરજીઓનો કુલ નિકાલ કર્યો છે. પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયા અને તેમની ટીમે ખીજદળ ગામ નજીક બનેલા 19 લાખના દાગીના અને રોકડની લૂંટનો ગુન્હો ઉકેલીને ગણતરીની કલાકોમાં તમામ મુદામાલ રીકવર કરી આરોપીઓને પકડી પાડયા હતા. તેમાં પેરોલ ફર્લો સ્કવોડ પણ જોડાઇ હતી આથી. આ અધિકારીઓનું અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. તો એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ સલીમભાઇ વજરુદીન પઠાણે છેતરપીંડીના ગુન્હામાં 18 વર્ષથી નાશતા આરોપીને કેરળ ખાતેથી પકડીને પ્રશંસનીય કામગીરી કરી હતી. એલ.સી.બી.ના એ.એસ.આઈ. બટુકભાઇ વિંઝુડા અને હેડકોન્સ્ટેબલ લખમણભાઇ મેરુભાઇ ઓડેદરાએ સગીરા ગેંગરેપના ચારેચાર આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડતા પ્રશંસાપત્ર એનાયત થયુ હતુ. પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઈ. હરેશભાઇ સીસોદીયાએ દોઢ વર્ષથી વોન્ટેડ ઇસમને અમદાવાદથી શોધી કાઢેલ હતો. તો હેડ કોન્સ્ટેબલ પીયુષભાઇ સીસોદીયાએ હથિયારધારાના ગુન્હામાં પોણા બે વર્ષથી વોન્ટેડ શખ્શને એમ.પી.થી શોધી કાઢયો હતો. કમલાબાગ પોલીસમથકના વિજયભાઈ ભીંભા અને સાજનભાઇ વરૂએ અપહરણના ગુન્હાનો ભોગ બનનારને તાત્કાલિક છોડાવીને આરોપીઓને પકડી પાડયા હતા. કમલાબાગ પોલીસમથકના હેડકોન્સ્ટેબલો ભીમશીભાઇ માળીયા અને નરેન્દ્રભાઇ ભટ્ટે ટ્રક અને રીક્ષામાંથી 22 બેટરી ચોરીના આરોપીઓને પકડી પાડયા હતા.કુતિયાણા પોલીસમથકના કોન્સ્ટેબલ અક્ષયકુમાર ઝાલાએ મધ્યપ્રદેશના રાણપુર પોલીસ સ્ટેશનના હત્યાની કોશિષ અને હથિયારધારાના ગુન્હામાં આઠ મહિનાથી વોન્ટેડ શખ્શને પકડી પાડયો હતો. તે ઉપરાંત સાયબર ક્રાઇમ પોલીસમથકના યુ.એલ.આર. પીયુષભાઇ સામતભાઇ નકુમે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની રીફંડની કામગીરી સંભાળીને માત્ર છ મહિનામાં 27 લાખ 2 હજાર 104 રૂા.ના રીફંડ કરાવ્યા હતા અને તે બાદ હાલમાં 63 લાખ 48 હજાર 246 જેટલી સી-અરજીના રીફંડ માટે અભિપ્રાય મોકલી આપ્યા હતા. તે ઉપરાંત સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અભદ્ર કે અશ્લિલ પોસ્ટ કોઇ ના મૂકે તે માટે વોચ રાખીને પ્રશંસનીય કામગીરી કરી હતી તેથી આ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓનું જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે સન્માન થયુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya