પાટણ, 18 ઓગસ્ટ (હિ.સ.)પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં ભૂગર્ભ ગટરની સમસ્યા વિકરાળ બની છે. પાલિકા પ્રમુખના વિસ્તારમાં આવેલી કેકારાવ સ્કૂલ પાસે તેમજ અખંડ આનંદ સોસાયટી આગળ ગટરના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્કૂલે જતા બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. રસ્તાઓ પર ફેલાયેલી ગંદકીથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે, જ્યારે પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. આથી મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે.
પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે નગરપાલિકા તંત્રને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગણી કરી છે. તેમણે વોર્ડ નંબર 11ના રહીશોને ભૂગર્ભ ગટરની સમસ્યામાંથી મુક્તિ અપાવવા તેમજ તેમના સ્વાસ્થ્યના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર