પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જિલ્લાભરમાં અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટર એસ ડી ધાનાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત આયોજિત અનેક કાર્યક્રમોમાં વિવિધ સંસ્થાઓ સહભાગી બની છે. અને દેશભક્તિ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સ્પર્ધાઓ અને સ્વચ્છતાનું આયોજન અલગ અલગ સ્થળોએ થઈ રહ્યું છે. અનેકવિધ સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત આયોજિત કાર્યક્રમોને લઈને પોરબંદર દેશભક્તિના રંગે રંગાયું છે, ત્યારે પોરબંદર શહેરમાં આવેલ ચોપાટી ખાતે ભારત દેશની આઝાદીના 79 વર્ષની ઉજવણી અંતર્ગત બીચ ક્લિનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની પોરબંદર ખાતે ઉજવણી સંદર્ભે બીચ ક્લિનિંગ અભિયાનમાં વિવિધ સંસ્થાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ સહભાગી બન્યા હતા. ચોપાટી ખાતે બુધવારના દિવસે સવારે બીચ ક્લિનિંગનું આયોજન થયું હતું. જેમાં જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ જે પ્રજાપતિ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડો ચેતનાબેન તિવારી સહિત શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, રોટરી ક્લબના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં એમ ઇ એમ સ્કૂલના વિદ્યાર્થી અને સ્ટાફગણ સહભાગી બન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya