સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)- ઉત્રાણ, અર્થ રેસીડેન્સીમાં રહેતા વેપારીને અજાણ્યા વોટ્સઅપ નંબર આવેલા મેસેજના આધારે અજાણ્યાઓ સાથે ધંધો કરવાનું ભારે પડ્યું છે. બે મહિલા સહિત ત્રણ ઠગબાજાએ તેમને લંડનીની કંપનીમાં ઓઈલનો ધંધો કરવાની લાલચ આપી તેમની પાસેથી 1.31 લાખ પડાવી લીધા હતા.
ઉત્રાણ સુત્રોના જણાવ્યા મુજબ અર્થ રેસીડેન્સી આનંદ પેટ્રોલ પંપની પાછળ, ઉત્રાણ ખાતે રહેતા 37 વર્ષીય વેપારી મહેન્દ્ર નંદલાલ ગેલાણીને ગત તા 17 માર્ચના રોજ અજાણ્યા મોબાઈલ નંબરથી વોટ્સઉપ ઉપર મેસેજ આવ્યો હતો. અજાણ્યાએ પોતાનું નામ મેરી સાંચેન્ઝ હોવાનુ કહી પોતે લંડનની કંપનીમાં નોકરી કરે છે. અને તેમની કંપની સ્કોટીયા ઓઈલ ઍક્સ્ટ્રા ખરીદે છે. આ ઓઈલનો દવા બનાવવામાં ઉપયોગ થાય છે. હાલમાં તેમના સપ્લાયરનું અકસ્માત થયું હોવાથી સારવાર હેઠળ છે. એટલે તેલ ભારતમાથી ખરીદવાની જરૂર છે. તેલ શર્મા એન્ટરપ્રાઈઝના શિવાની પાટીલ (અરૂણાચલ પ્રદેશ) પાસેથી ખરીદીને બ્રીટાનીયા ફાર્મા સ્યુટીકલ કંપનીને વેચાણ કરશો તો ડબલ નફો મળશે, જેમાંથી 40 ટકા કમિશન બાદ કરી બાકીની રકમ પરત આપવાની વાત કરી વિશ્વાસમાં લીધા હતા, ત્યારબાદ શિવાની પાટીલનો નંબર આપી મહેન્દ્રભાઈ પાસે સેમ્પલ માટે એક લીટર ઓઈલની બોટલનો ઓર્ડર કરાવી તેના રૂપિયા 1.31 લાખ મહેન્દ્રભાઈઍ ગુગલ પે થી ચુકવ્યા હતા. ત્યારબાદ મેરી સાંચેન્ઝએ તેમને ક્રિસ જેમ્સ નામના વ્યકિત ભારત આવશે કહી તેની સાથે સંપર્ક કરાવ્યો હતો. મહેન્દ્રભાઈઍ તેની સાથે વાત કરતા તેણે એક લીટરની 26 બોટલનો ઓર્ડર આપ્યો હતો. જાકે મહેન્દ્રભાઈએ તેની પાસે એડવાન્સ રકમ માંગતા મોબાઈલ નંબર બ્લોક કરી નાંખ્યો હતો. મહેન્દ્રભાઈને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે