સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના ભાઠેના વિસ્તારમાં શિવ કૃપા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં ગુજરાત ગેસ કંપની દ્વારા એક વ્યક્તિનું ગેસ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તે વ્યક્તિએ ગેરકાયદેસર રીતે ગુજરાત ગેસ કંપનીને ગેસ લાઈનમાં જોડાણ કરી છેલ્લા અઢી વર્ષના સમયગાળાની અંદર રૂપિયા 43.80 લાખનો ગેસ ચોરી કર્યો છે. જેથી આ વાત ધ્યાન પર આવતા તેની સામે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે રૂપિયા 43.80 લાખની ગેસ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે અડાજણ વિસ્તારમાં આનંદ મહેલ રોડ પર શાંતિનિકેતન રો હાઉસમાં રહેતા પ્રશાંત વ્યાસ ગુજરાત ગેસ કંપનીમાં ફરજ બજાવે છે. તેઓએ ગતરોજ ઉધના પોલીસ મથકમાં વર્ષ 2022માં આંજણા વિસ્તારમાં ભાઠેના ખાતે આવેલ શિવ કૃપા ઇન્ડસ્ટ્રી સોસાયટીમાં ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના માલિક વિશાલકુમાર મહેશકુમાર પટેલ સામે રૂપિયા 43.80 લાખની ગેસ ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની દ્વારા 13 જુલાઈ 2007 ના રોજ શિવકૃપા ઇન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં આવેલ ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીને કોમર્શિયલ ગેસ કનેક્શન ગેસ સપ્લાય એગ્રીમેન્ટ કરી આપવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ તારીખ 14/10/2022 ના રોજ તેમનો આ ગેસ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું અને સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ ધનલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝના વિશાલકુમાર પટેલે ઓક્ટોબર મહિનામાં જ ગુજરાત ગેસ સરકારી કંપનીના પાઇપલઇન કાપી ટી બેસાડી ગેરકાયદેસર કનેક્શન મેળવી લીધું હતું અને 11/8/2025 સુધીમાં કુલ 59054 યુનિટ વપરાશ કરી નાખ્યો હતો. જેની કિંમત રૂપિયા 43.80 લાખ રૂપિયા થવા જાય છે. જેથી હાલ તો પ્રશાંત વ્યાસે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશાલકુમાર મહેશકુમાર પટેલ અને ગેરકાયદેસર ગેસ કનેક્શનનું જોડાણ કરી આપનાર અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે