મોડાસા, 13 ઓગસ્ટ (હિ.સ.)અરવલ્લી જિલ્લામાં શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને “સક્ષમ શાળા” કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ શાળાઓનું સન્માન કરવામાં આવ્યું. આ ભવ્ય સમારંભમાં વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારી શાળાઓને પુરસ્કાર, ચેક, મોમેન્ટો અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
જિલ્લા કક્ષાએ ઓવરઓલ કેટેગરીમાં ગ્રામીણ પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સ્થાને મોડાસા તાલુકાની શિણાવાડ પ્રાથમિક શાળાએ રૂ. 31,000નો ચેક, મોમેન્ટો અને પ્રમાણપત્ર મેળવ્યું. બીજા ક્રમે માલપુર તાલુકાની નાથાવાસ પ્રાથમિક શાળાએ રૂ. 21,000નો ચેક અને મોમેન્ટો મેળવ્યો, જ્યારે ત્રીજા ક્રમે મોડાસા તાલુકાની સાકરિયા પ્રાથમિક શાળાએ રૂ. 11,000નો ચેક અને પ્રમાણપત્ર હાંસલ કર્યું. ગ્રામીણ માધ્યમિક શાળાઓમાં મોડાસા તાલુકાની બી. કનાઈ સ્કૂલે પ્રથમ સ્થાને રૂ. 31,000નો ચેક અને મોમેન્ટો મેળવ્યો. શહેરી પ્રાથમિક શાળાઓમાં મોડાસા-7 પ્રાથમિક શાળાએ પ્રથમ સ્થાને રૂ. 31,000નો ચેક અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું.
તાલુકા કક્ષાએ ભિલોડા તાલુકાની જનાલીટાંડા પ્રાથમિક શાળા અને ધનસુરા તાલુકાની શીકા પ્રાથમિક શાળાને પુરસ્કાર આપવામાં આવ્યા. માલપુર તાલુકાની નાથાવાસ પ્રાથમિક શાળા તથા મેઘરજ તાલુકાની ઇસરી પ્રાથમિક શાળાને રૂ. 11,000નો ચેક અને પ્રમાણપત્ર એનાયત કરાયા. આ ઉપરાંત, જિલ્લાના 6 તાલુકાઓની 26 ગ્રામીણ પ્રાથમિક શાળાઓને 4 સ્ટાર રેટિંગ માટે પ્રમાણપત્રો આપવામાં આવ્યા.
જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે સંબોધન કરતાં જણાવ્યું કે, “સક્ષમ શાળા” કાર્યક્રમ શિક્ષણની ગુણવત્તા અને શાળાઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો એક અભૂતપૂર્વ પ્રયાસ છે. આવા પુરસ્કારો શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોના પ્રયાસોને માન આપે છે અને અન્ય શાળાઓને પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્રેરણા આપે છે. તેમણે શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને સમર્પણની ભાવનાને જાળવી રાખવા અપીલ કરી, જેથી અરવલ્લી જિલ્લો શૈક્ષણિક રીતે વધુ સમૃદ્ધ બને. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે રાષ્ટ્રભાવના અને સામાજિક જવાબદારીનું મૂલ્ય પણ શીખવવા પર ભાર મૂક્યો.
આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આ પુરસ્કારો શિક્ષણની ગુણવત્તા અને શાળાઓના પ્રદર્શનને પ્રોત્સાહન આપવા માટે મહત્વનું પગલું છે, જે જિલ્લાના શૈક્ષણિક વાતાવરણને વધુ મજબૂત બનાવશે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ