મહુવામાં મગફળીના પાકમાં સફેદ મુંડાનો કહેર, ખેડૂતો માટે ‘પડ્યા ઉપર પાટા’ જેવી પરિસ્થિતિમાં
ભાવનગર, 13 ઓગસ્ટ (હિ.સ.): સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું વાવેતર 15 લાખ હેક્ટર કરતા પણ વધુ વિસ્તારમાં થયું છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પહેલેથી જ મૂંઝાયેલા હતા, પરંતુ હવે મગફળીના પાકમાં સફેદ મુંડા નામની જીવાતના ભારે પ્રકોપે તેમની ચિંતામાં વધારો કર્યો છે. મ
મહુવામાં મગફળીના પાકમાં સફેદ મુંડાનો કહેર, ખેડૂતો ‘પડ્યા ઉપર પાટા’ જેવી પરિસ્થિતિમાં


ભાવનગર, 13 ઓગસ્ટ (હિ.સ.): સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું વાવેતર 15 લાખ હેક્ટર કરતા પણ વધુ વિસ્તારમાં થયું છે. વરસાદ ખેંચાતા ખેડૂતો પહેલેથી જ મૂંઝાયેલા હતા, પરંતુ હવે મગફળીના પાકમાં સફેદ મુંડા નામની જીવાતના ભારે પ્રકોપે તેમની ચિંતામાં વધારો કર્યો છે. મહુવા સહિતના વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં સફેદ ઘેણ અને મુંડા જોવા મળી રહ્યા છે. કૃષિ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આ મુંડા જમીનની અંદર ઊંડે સુધી રહી મગફળીના ડોડવા અને તંતુમૂળ ખાઈ જાય છે. તેના કારણે મગફળીના છોડ ધીમે ધીમે સુકાઈને મરી જાય છે, જેનાથી ઉત્પાદન પર ગંભીર અસર થાય છે. હાલ મુંડાની દરેક અવસ્થાઓ — કોશેટા, બચ્ચા અને પુખ્ત મુંડા — ખેતરોમાં મળી રહી છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ, વરસાદ ન હોવાથી પાકમાં ભેજની અછત ઊભી થઈ, જે મુંડાના પ્રકોપને વધુ અનુકૂળ બની. મગફળીના ડોડવા જમીનમાં રહેતા હોવાથી જીવાતના હુમલાથી તે સડી જાય છે, અને ઉપજમાં ભારે ઘટાડો થવાની શક્યતા છે. આ પરિસ્થિતિ ખેડૂતો માટે ‘પડ્યા ઉપર પાટા’ જેવી બની છે.

કુંભણ ગામના ખેડૂત રમેશભાઈ ભીલે જણાવ્યું કે, “આ વર્ષે વરસાદ ખેંચાતા પાક કમજોર થયો હતો. હવે મુંડાના હુમલાથી અનેક ખેતરોમાં મગફળીના છોડ સુકાઈ રહ્યા છે. જે ડોડવા બન્યા હતા તે પણ જમીનમાં જ સડી રહ્યા છે. આ વર્ષે ઘણું નુકસાન થવાની ભીતિ છે.” જુનાગઢના કૃષિ નિષ્ણાંત માર્મિક કાપડિયાએ જણાવ્યું કે, “સફેદ મુંડા મગફળીની માટે ગંભીર જીવાત છે. તે ખાસ કરીને ભેજ ઓછી હોય ત્યારે વધુ ફેલાય છે. તેનો પ્રકોપ નિયંત્રિત કરવા પાકની વાવણી પહેલાં જમીનનો ઉપચાર કરવો જોઈએ, સાથે પાક ફેરબદલી, સડી ગયેલી પાક અવશેષો દૂર કરવું અને યોગ્ય દવાઓનો ઉપયોગ કરવો જરૂરી છે. હાલના તબક્કે ખેડૂતો તાત્કાલિક નિર્દેશિત જંતુનાશકોનો છંટકાવ કરે તો થોડું નુકસાન અટકાવી શકાય.” કૃષિ વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ, મહુવા સહિત સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મગફળીના પાકનું 20–30 ટકા સુધી નુકસાન થવાની શક્યતા છે. વિભાગે ખેડૂતોને ખેતરોની નિયમિત દેખરેખ રાખવાની, મુંડાના લક્ષણો દેખાતા તરત ઉપાય કરવા અને આગામી સીઝનમાં પાક ફેરબદલી અપનાવવાની સલાહ આપી છે.

સૌરાષ્ટ્રમાં મગફળી ખેડૂતોની આર્થિક રીડ છે. આવા સમયમાં જીવાતનો ત્રાસ માત્ર ઉત્પાદન પર જ નહીં, પરંતુ ખેડૂતોની આર્થિક સ્થિતિ અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસરકારક બની રહ્યો છે. ખેડૂત સંસ્થાઓએ સરકારને પ્રકોપગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરીને સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.

હાલમાં ખેડૂતોને આશા છે કે, જો આવતા દિવસોમાં વરસાદ આવશે અને જીવાત નિયંત્રણના પ્રયાસો સફળ રહેશે, તો પાકનો થોડો હિસ્સો બચાવી શકાય. પરંતુ જો પરિસ્થિતિ આવી જ રહેશે તો આ વર્ષે મગફળીના ઉત્પાદન પર મોટો પ્રહાર થઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande