ગીર સોમનાથ, 13 ઓગસ્ટ (હિ.સ.) સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટાર્ટ-અપ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ કાઉન્સિલ (SUSEC) તથા ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન કાઉન્સિલ (IIC), સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સહયોગથી“Bridging Ideas to Impact: Strengthening Regional Innovation Ecosystems for Scalable Startups”વિષય પર ઇનોવેશન ઓરિએન્ટેશન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રિન્સિપાલ ડૉ. સ્મિતા છગના માર્ગદર્શન હેઠળ ઇનોવેશન કોઓર્ડિનેટર પ્રો. પ્રિયા મંગે દ્વારા સમગ્ર કાર્યક્રમ સુનિયોજીત રીતે યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઇપીઆર ચેરપર્સન ડૉ. પાર્થે સેજપાલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઇનોવેશન, ઉદ્યોગસાહસિકતા અને બૌદ્ધિક સંપત્તિ હક્કો અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (SSSU) સાથે થયેલા MoU અંતર્ગતના સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ SSSUના વિદ્યાર્થીઓએ પણ આ માહિતીસભર સત્રનો લાભ લીધો. ડૉ. સેજપાલે વિદ્યાર્થીઓને ઇનોવેશનના અર્થ અને મહત્વ સમજાવતાં કહ્યું કે આજના સમયમાં માત્ર અભ્યાસ પૂરતો નથી, પરંતુ સર્જનાત્મક વિચારોને પ્રોડક્ટ કે સર્વિસમાં પરિવર્તિત કરવાની ક્ષમતા જ ભવિષ્યના અવસર ઉભા કરે છે. તેમણે સરકારનીસ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP)અંતર્ગત મળતા લાભો, નાણાકીય સહાય, માર્ગદર્શન અને પ્રોટોટાઇપ ડેવલપમેન્ટની તક અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
આ સેમિનારમાં ઉદ્યોગસાહસિક સફરના તબક્કાઓ – વિચારથી શરૂઆત, બજાર સંશોધન, પ્રોટોટાઇપ તૈયાર કરવું, રોકાણકારોને આકર્ષવું – જેવી બાબતો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પ્રોટોટાઇપના ઉપયોગ, આઇડિયા વેલિડેશન અને ગ્રાહકની આવશ્યકતાઓને અનુરૂપ સુધારા અંગે ચર્ચા કરી, સાથે જ પેટન્ટ, કૉપિરાઇટ અને ડિઝાઇન રજીસ્ટ્રેશનના કાનૂની મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓએ SSIP ફંડિંગ, પેટન્ટ ફાઇલિંગ પ્રક્રિયા અને સ્ટાર્ટઅપ સ્થાપનવિષે ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછ્યા અને માર્ગદર્શન મેળવ્યું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રાદેશિક ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો હતો, જેથી વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન અને ઉદ્યોગસાહસિકતા પ્રત્યે રસ તથા આત્મવિશ્વાસ વધે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ