પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં મોટી ભરતી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. યુનિવર્સિટી કેમ્પસના 18 વિભાગોમાં કરાર આધારિત શૈક્ષણિક સ્ટાફ માટે 18થી 20 ઓગસ્ટ દરમિયાન ઇન્ટરવ્યૂ યોજાશે. આ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર અને લેબ ટેક્નિશિયનની જગ્યાઓ 11 માસના કરાર આધારે ભરવામાં આવશે.
યુનિવર્સિટી સંલગ્ન 700થી વધુ કોલેજોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે 25, 26 અને 28 ઓગસ્ટે ઇન્ટરવ્યૂ યોજાશે. આ ભરતીમાં આચાર્ય, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર અને ટ્યુટરની કુલ 4,000થી વધુ જગ્યાઓ ભરવાની રહેશે. પ્રોફેસરની જગ્યાઓ માટે UGCના નિયમો મુજબ પીએચડી તથા નેટ-સ્લેટ લાયકાત ધરાવતા ઉમેદવારોને જ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
યુનિવર્સિટી રજિસ્ટ્રાર ડૉ. રોહિતભાઈ દેસાઈએ જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં કોલેજ કક્ષાએ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જે શિક્ષણક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર