જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.): જામનગરના એક ખેડૂતે ચાલુ વર્ષે ધાર્યા મુજબ ઉપજ ન મળતા તેની અનુભવાતી ચિંતા વચ્ચે ગઈકાલે પોતાના ઘરે પંખાના હુંકમાં ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લેતા અરેરાટી પ્રસરી છે. પોલીસે મૃતકના પુત્રનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ખડખડનગરમાં જાસોલીયા સોસાયટીમાં રહેતા હેમતસિંહ જાલમસંગ વાઢેર (ઉ.વ.પપ) નામના ખેડૂતે ગઈકાલે સવારે પોતાના ઘરે છતમાં રહેલા પંખાના હુંકમાં ટ્રેક પેન્ટ વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બાબતની તેમના પરિવારને જાણ થતાં આ પ્રૌઢને નીચે ઉતારી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા પુત્ર મહેન્દ્રસિંહ વાઢેરે પોલીસને વાકેફ કરી છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ બારા ગામમાં મૃતક હેમતસિંહની ખેતીની જમીન આવેલી છે. ચાલુ વર્ષે ધાર્યા મુજબની ઉપજ નહીં મળતા હેમતસિંહ કેટલાક દિવસોથી ચિંતા અનુભવતા હતા, જેના કારણે વ્યથિત થઈ તેઓએ ગઈકાલે આત્મહત્યા કરી લીધી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt