જૂનાગઢ 13 ઓગસ્ટ (હિ.સ.)
જૂનાગઢ ધરતી એ ગાય છે અને ખેડૂત એ ગોવાળછે. ધરતી રૂપી ગાયનું ખેડૂત રૂપી ગોવાળે યોગ્ય દોહન કરવું જોઈએ. તો જ તેનું રક્ષણ અને સંવર્ધન થઈ શકે છે. આપણા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલના સફળ નેતૃત્વમાં જમીનને જીવંત બનાવવા અને ફળદ્રુપતા વધારવા પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવા ગુજરાતના નાગરિકોને આહ્વાન કરેલ છે.
પ્રાકૃતિક કૃષિ કરવાથી અઢળક ફાયદાઓ થાય છે. વાતાવરણ સ્વચ્છ બને, સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, જમીન ફળદ્રુપ થાય, જળસ્તર ઉપર આવે જેથી સિંચાઈમાં પણ લાભ થાય છે. આમ પ્રાકૃતિક કૃષિથી આપણે અનેક લાભ મેળવી શકીએ છીએ. તો આવો જાણીએ પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તારથી...
જેવી રીતે જંગલમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાનો છંટકાવ ન કરવા છતાં ફળાઉ વૃક્ષો દર વર્ષે વિપુલ માત્રામાં ફળો આપે છે. તેવી જ કુદરતી પ્રક્રિયા ખેતરમાં અપનાવીએ તેવી પદ્ધતિ એટલે પ્રાકૃતિક કૃષિ. શું આપ જાણો છો? દેશી ગાયનાં એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ સૂક્ષ્મ જીવાણુંઓ હોય છે અને એટલું જ નહિ ગૌ-મૂત્ર એ ખનીજોનો ભંડાર છે.
આમ, પ્રાકૃતિક કૃષિ એ તદ્દન બિન ખર્ચાળ પદ્ધત્તિ છે. જે પાક સંવર્ધન તેમજ સ્વાસ્થ્યવર્ધક પણ છે.
પ્રાકૃતિક કૃષિ કરવાથી ભૂમીની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે.
માત્ર એક દેશી ગાયનાં ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. આ ઉપરાંત નહીવત ખર્ચ, વધારે ઉત્પાદન થાય, ૯૦ ટકા પાણીની બચત થાય, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય, ગામ અને દેશ સ્વાવલંબનનું નિર્માણ સહિતનાં અસંખ્ય ફાયદાઓ થાય છે. આપણા રાજ્યપાલશ્રી દ્વારા ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું જનઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યનાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટના સહયોગથી તાલીમ શિબિર યોજીને માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
કારણ કે ખેડૂતનો સાચો મિત્ર તેનો ખેડૂત ભાઈ જ હોઈ શકે. આ માસ્ટર ટ્રેનર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં તાલીમ શિબિરો યોજીને અન્ય ખેડૂતોને તાલીમ અપાઇ રહી છે.
હવે સમય છે કે દરેક ધરતીપુત્ર પ્રાકૃતિક કૃષિ અપનાવે અને જમીનને ફરીથી જીવંત બનાવે. આવો મળીને તંદુરસ્ત ધરતી, તંદુરસ્ત સમાજ અને સમૃદ્ધ ગામ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ