જામનગર, 13 ઓગસ્ટ (હિ.સ.) : લાયન્સ કલબ ઇન્ટરનેશનલના રિજીયન ૩ના પદાધિકારીઓનો સ્કૂલિંગ સેમિનાર યોજાયો હતો. જેમાં વર્ષ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિ અંગે નવનિયુક્ત હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રિજીયન ૩ની કાર્યશાળામાં જામનગર ખંભાળીયાની તમામ કલબના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. લાયન્સ કલબ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સેવાકીય કાર્ય કરતી સંસ્થા છે જેમાં ૧૪ લાખથી વધુ સદસ્યો અલગ અલગ ક્ષેત્રે સેવાકીય કાર્યો કરે છે આજ લાયન્સ કલબના ડિસ્ટ્રીકટ ૩૨૩૨-જે ના રિજીયન-૩ નું સ્ફુલિંગ જામનગરમાં યોજવામાં આવ્યું હતું જેમાં જામનગર અને ખંભાળિયાની કલબના હોદ્દેદારો હાજર રહૃાા હતા.
લાયન્સ કલબ ડિસ્ટ્રીકટ ૩૨૩૨જેના વાર્ષિક સ્ફુલિંગનું દીપ પ્રાગટય કરી ઉદ્ઘાટન વાઇસ ડિસ્ટ્રીકટ ગર્વનર નિરવભાઈ વડોદરિયા, પૂર્વ ડિસ્ટ્રીકટ ગવર્નર મીનાબેન કોટેચા, મોનાબેન શેઠ, ગીતાબેન સાવલા, બીપીનભાઈ શેઠ અને ભરતભાઇ બાવીસી તેમજ રિજીયન ચેરમેન જગતભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રધ્વજ વંદના લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટના પ્રમુખ ભવ્યભાઈ જોષી દ્વારા અને મેહમાનોનો પરિચય ઝોન ચેરમેન ધ્રુવીબેન સોમપુરા, સુરેશભાઈ રાડીયા દ્વારા આપવામાં આવ્યો હતો, આ તકે ભુજથી ડિસ્ટ્રીકટ ગવર્નર અભયભાઈ શાહે વર્ચ્યુઅલી વિડીયો કોલના માધ્યમથી જોડાય માર્ગદર્શન આપ્યું હતું.
વ્યક્તિ વિકાસ અને લીડરશીપના અલગ અલગ વિષય પર રોહિતભાઈ જોષી, પ્રકાશભાઈ નંદા, હીમાંશુભાઈ જાની અને સંજયભાઈ ખંડેલવાલએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ સુંદર માહિતી પૂરી પાડી હતી અને આગામી કાર્યક્રમ અંગે જણાવ્યું હતું. લાયન્સ કલબના પૂર્વ ડિસ્ટ્રીકટ ગવર્નર દ્વારા આગામી વર્ષના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી તેમજ ડિસ્ટ્રીકટ કેબિનેટના સદસ્યોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં બીપીનભાઈ શેઠ, ગીતાબેન સાવલા અને વાઇસ ડિસ્ટ્રીકટ ગવર્નર નિરવભાઈ વડોદરિયા એ ટીમ વર્ક, રિપોટિંગ, મિટિંગનું આયોજન તેમજ સેવાકીય કાર્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું આ તમામ ફેકલ્ટીને મોમેન્ટો આપી સન્માન રિજીયન ચેરમેન જગત રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.
જામનગર અને ખંભાળિયાની કલબના કુલ ૫૦ હોદ્દેદારો અને ૨૦ કેબિનેટના સદસ્યો આમંત્રિત મેહમાનો આ સેમિનારમાં ઉપસ્થિત રહૃાા હતા, રિજીયન ૩ના સેમિનારનું સુંદર આયોજન કરવામાં માટે અને રિજીયન ચેરમેનપદ માટે લાયન્સ કલબ વેસ્ટ દ્વારા ચેરમેન જગત રાવલને મોમેન્ટો અને શાલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કર અશ્વિનભાઈ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ અતુલભાઈ વિરાણી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર રિજીયન સ્ટાફ મિટિંગ અને સ્ફુલિંગને સફળ બનાવવા માટે રિજીયન ચેરમેન જગત રાવલ, ઝોન ચેરમેન ધ્રુવીબેન સોમપુરા, સુરેશભાઈ રાડીયા અને જામનગર લાયન્સ પરિવારના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt