સુરત, 13 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના કતારગામ વિસ્તારમાં હીરાબેનની વાડી ખાતે આવેલ હીરાના કારખાનામાં કામ કરતો મેનેજર ખાતામાંથી રૂપિયા 35.10 લાખના હીરા ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ આ મામલે મેનેજર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નોકર ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના વતની અને હાલમાં સુરતના સિંગણપુર વિસ્તારમાં કોઝવે રોડ પર શ્યામધામ સોસાયટીમાં રહેતા અમિતભાઈ દિનેશભાઈ દિવોરા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કતરગામ વિસ્તારમાં મહેતા પેટ્રોલ પંપની બાજુમાં જૈન દેરાસરની સામે હીરાબેનની વાડી ખાતે તેઓની એડી ઇમ્પેક્ષ નામની હીરાની પેઢી આવેલી છે. છેલ્લા આઠ વર્ષથી તેમને ત્યાં બનાસકાંઠાના સુઈગામ ના શિવનગર પ્રેમાળ નિવાસનો વતની કલાભાઈ પંચાળજી રાજપુત કામ કરતો હતો. કલાભાઈને ખાતામાં મેનેજરની પોસ્ટ પર બેસાડવામાં આવ્યો હતો. જેથી ઉંચી ગુણવત્તાના કીમતી હીરા પણ તેમની પાસે આવતા હતા. અઢી વર્ષ પહેલા કલાભાઈએ અમિતભાઈ ના ખાતામાંથી રૂપિયા 19 લાખના હીરાની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયો હતો. પરંતુ જે તે સમયે અમિતભાઈ એ તેને પકડી પાડતા કલાભાઈએ પોતાનો પ્લોટ વેચીને પૈસા ચૂકવી આપવાની બાંહેધરી આપી હતી. એટલું જ નહીં પરંતુ તેને ફરીથી નોકરી પર રાખી બાકીના પૈસા તેના પગારમાં થોડા થોડા કાપી નાખવા માટે પણ જણાવ્યું હતું. જેથી અમિતભાઈએ કલાભાઈ રાજપૂતને નોકરી પર રાખ્યો હતો. ત્યારબાદ છેલ્લા અઢી વર્ષ દરમિયાન તેમણે બરાબર કામ કર્યું હતું અને ફરીથી રૂપિયા 16.10 લાખની કિંમતના 40.25 કેરેટના હીરા ચોરી કરી પલાયન થઈ ગયો હતો. જેથી આખરે અમિતભાઈએ આમ અમને કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કલા રાજપૂત સામે હાલના રૂપિયા 16.10 લાખ અને અઢી વર્ષ પહેલાના રૂપિયા 19 લાખ મળી કુલ રૂપિયા 35.10 લાખની ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે