પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.): પાટણ શહેરના ખાન સરોવર ફિલ્ટર પ્લાન્ટ નજીક સાંડેસર પાટી વિસ્તારમાં આવેલા આશરે 20 મકાનોને પાટણ નગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામ ગણાવી ખાલી કરવાની નોટિસ આપી છે. પાલિકા અનુસાર સ્થળ જોખમી બન્યું છે, કારણ કે તાજેતરમાં અહીં ભુવો પડ્યો હતો.
રહીશોએ આ દાવાનો ઇનકાર કરતાં જણાવ્યું કે જમીન કબ્રસ્તાન ટ્રસ્ટની માલિકીની છે અને તેઓ છેલ્લા 15-20 વર્ષથી અહીં વસવાટ કરે છે. તેમના જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટર લાઈન નાખતી વખતે પણ ટ્રસ્ટીઓની મંજૂરી લેવામાં આવી ન હતી. રહીશોએ આર્થિક મુશ્કેલીઓ અને નાના બાળકો સાથે રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાની ફરિયાદ કરી છે. આ કારણે પાલિકા અને રહીશો વચ્ચેનો વિવાદ વધુ ગંભીર બનવાની સંભાવના છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર