ભાવનગર, 13 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રામધરી ગામમાં ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. સામાન્ય રીતે ચોરીની ઘટનાઓ રહેણાક મકાન અથવા દુકાનો સુધી મર્યાદિત રહેતી હોય છે, પરંતુ આ વખતે નિશાન બન્યું છે ગામની સરકારી પ્રાથમિક શાળા. આ બનાવે ગામના લોકોમાં સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ, રામધરી ગામની સરકારી પ્રાથમિક શાળામાંથી ત્રણ તેલના ડબ્બા, 55 કિલો ચણાદાળ અને 30 કિલો ચણાની ચોરી થઈ છે. આ અનાજ અને તેલનો જથ્થો મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ બાળકોને ભોજન પૂરું પાડવા માટે સંગ્રહિત કરવામાં આવ્યો હતો.
ચોરીની ઘટના બે દિવસ પહેલા બની હોવાનું જાણવા મળ્યું છે. ખાસ વાત એ છે કે આ બનાવ રજા ના દિવસે બન્યો, જ્યારે શાળા બંધ હતી અને સ્ટાફ હાજર ન હતો.અચરજની વાત એ છે કે જ્યાં બાળકો માટેનું અનાજ સુરક્ષિત રહેવું જોઈએ, ત્યાંથી જ ચોરી થવી, એ ગામના લોકોમાં આક્રોશનું કારણ બની ગયું છે. ચોરીનો પતો લાગતાં જ શાળાના આચાર્ય અને ગામના આગેવાનો સીધા સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને ઘટનાની ફરિયાદ નોંધાવી. હાલમાં પોલીસ ચોરીના આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે. શાળાના લોક તૂટેલા જોવા મળ્યા છે, જેથી સ્પષ્ટ થાય છે કે ચોરોએ સુયોજિત રીતે આ ચોરી અંજામ આપી છે.
આ ઘટનાએ એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે જો સરકારી શાળા પણ સુરક્ષિત નથી, તો બાળકોના ભવિષ્ય અને શિક્ષણની વ્યવસ્થા કેટલી સુરક્ષિત રહેશે?
ગામના રહેવાસીઓનો આક્ષેપ છે કે રાત્રે શાળાના પરિસરમાં કોઈ વોચમેન કે સુરક્ષા વ્યવસ્થા નથી. જેના કારણે આવા બનાવ બનવાની શક્યતા વધી જાય છે. લોકોની માંગ છે કે તાત્કાલિક શાળાની સુરક્ષા વધારીને રાત્રે ગાર્ડ મુકવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. હાલમાં પોલીસે ચોરીની તપાસ હાથ ધરી છે અને ગામના આસપાસના CCTV કેમેરા તથા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરી છે. જો કે, ચોરોના હાથ સુધી પોલીસ ક્યારે પહોંચશે, એ જોવાનું રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai