બોટાદ 13 ઓગસ્ટ (હિ.સ.): રાણપુર ખાતે ટેક્ષસ્પીન બેરીંગ્સ લીમીટેડના સૌજન્યથી રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રને વિવિધ જરૂરી આરોગ્ય ઉપકરણો ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા. લોકાર્પણ પ્રસંગે સ્થાનિક આગેવાનો, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નવા આરોગ્ય ઉપકરણોના પ્રદાનથી તાત્કાલિક આરોગ્યસેવામાં સુવિધા વધશે અને ગ્રામજનોને સમયસર સારવાર ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે આરોગ્ય કેન્દ્રના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, આધુનિક સાધનો મળવાથી પ્રાથમિક સારવારથી લઈને તાત્કાલિક સારવાર સુધીની પ્રક્રિયા વધુ ઝડપથી થઈ શકશે. ગ્રામજનોને ખાસ કરીને અકસ્માત, હાર્ટ સંબંધિત સમસ્યા અથવા અન્ય આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર આપવી સરળ બનશે. ટેક્ષસ્પીન બેરીંગ્સ લીમીટેડના પ્રતિનિધિઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ગ્રામ્ય આરોગ્ય સુવિધાઓનો વિકાસ કરવો એ કંપનીની સામાજિક જવાબદારી છે અને ભવિષ્યમાં પણ આવા યોગદાન આપવા કંપની પ્રતિબદ્ધ છે. કાર્યક્રમના અંતે ગ્રામજનો અને અધિકારીઓએ આ પહેલ માટે કંપનીનો આભાર વ્યક્ત કર્યો અને આવા આરોગ્ય વિકાસ કાર્યક્રમો ગામના જીવન સ્તર સુધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai