ભુજ – કચ્છ, 13 ઓગસ્ટ (હિ.સ.): 79માં સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે બુધવારે ભચાઉ ખાતે સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજવામાં આવ્યું હતું.
જિલ્લા સમાહર્તાએ સલામી આપીને નિરિક્ષણ કર્યું
ભચાઉ ખાતે સ્વાતંત્ર્ય પર્વના ‘મિનિટ ટુ મિનિટ’ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટરએ નિહાળ્યું હતું. આ રિહર્સલ દરમિયાન કલેક્ટર આનંદ પટેલે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી. પોલીસ અને હોમગાર્ડની પરેડનું નિરીક્ષણ કરીને કલેક્ટરે વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. નિયત પ્રોટોકોલ અનુસાર જિલ્લાકક્ષાની ઉજવણી કરવા સંબંધિત વિભાગના તમામ અધિકારીઓને સૂચનાઓ આપી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો
ભચાઉ ખાતે આયોજિત જિલ્લાકક્ષાની ઉજવણીમાં નાગરિકો સહભાગી બને એવો અનુરોધ જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યો છે.આ પ્રસંગે વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. કચ્છના જિલ્લાકક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભચાઉના એસઆરપીએફ ગ્રાઉન્ડ ખાતે થનારી છે. કચ્છની આ જિલ્લાકક્ષાની ઉજવણીમાં કચ્છ કલેક્ટર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી તિરંગો લહેરાવશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA