પોરબંદર, 13 ઓગસ્ટ (હિ.સ.): 15 ઑગસ્ટ, 2025ના રોજ 79મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે ભવ્ય રીતે યોજાનાર છે, જે પોરબંદર જિલ્લા માટે ગૌરવની ક્ષણ છે. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ધ્વજ વંદન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્રસ્તુતિ રહેશે .સવારે 9:00 વાગ્યે કે. એચ. માધવાણી કોલેજ મેદાન ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના તિરંગો ફરકાવશે. જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી દ્વારા પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને આ ઐતિહાસિક પ્રસંગે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે અને હાજરી માટે સવારે 8:00 વાગ્યા સુધી પોતાનું સ્થાન ગ્રાઉન્ડમાં મેળવી લેવા વિનંતી કરવામાં આવી છે.
ધ્વજારોહણના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે, જે પોરબંદર માટે યાદગાર બની રહેશે.સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ, 14 ઑગસ્ટના રોજ પણ પોરબંદરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4:00 વાગ્યે એચ. કે. માધવાણી કોલેજ મેદાન ખાતે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે, જે બાદ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. તે જ દિવસે સાંજે 4:30 થી 5:30 કલાક દરમિયાન પી.એમ.સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે ‘એટહોમ’ કાર્યક્રમનું આયોજન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કરવામાં આવશે, જેમાં રાજ્યપા જિલ્લા વિશિષ્ટ નાગરિકો, આગેવાનો અને વિશિષ્ટ વ્યક્તિઓને શુભેચ્છાઓ પાઠવશે. જેમાં મુખ્યમંત્રી પણ સહભાગી થશે.આ ઉપરાંત, સાંજે 6:30 થી 8:30 દરમિયાન કે. એચ. માધવાણી કોલેજ મેદાન ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ અવસરે જિલ્લા સ્તરે સમાજ, સેવા, કલા, સાહિત્ય કે અન્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે. જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.ધ્વજવંદન બાદ પોરબંદર જિલ્લાના ઈતિહાસ અને સંસ્કૃતિ પર આધારિત વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે, જેમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી દ્વારા પોરબંદર જિલ્લાના તમામ નાગરિકોને હાજરી આપવા અને કાર્યક્રમને ભવ્ય સફળ બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya