ભાદરવા ગામે, સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારમાં ધિંગાણું
વડોદરા, 18 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા જિલ્લાના પાદરાના ભાદરવા ગામે સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારો વચ્ચે વિવાદને પગલે ભારે ધિંગાણું સર્જાયું હતું. મળતી માહિતી મુજબ હાલની મહિલા સરપંચના પતિ મહીપત રાણા તથા તેમના પુત્રોએ મળીને પૂર્વ સરપંચના પરિવાર પર હુમલો કર્
ભાદરવા ગામે સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારમાં ધિંગાણું


વડોદરા, 18 ઓગસ્ટ (હિ.સ.) વડોદરા જિલ્લાના પાદરાના ભાદરવા ગામે સરપંચ અને પૂર્વ સરપંચના પરિવારો વચ્ચે વિવાદને પગલે ભારે ધિંગાણું સર્જાયું હતું. મળતી માહિતી મુજબ હાલની મહિલા સરપંચના પતિ મહીપત રાણા તથા તેમના પુત્રોએ મળીને પૂર્વ સરપંચના પરિવાર પર હુમલો કર્યો હતો. ઘરમાં ઘુસી પૂર્વ સરપંચના પરિવારના સભ્યોને મારમાર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવને કારણે ગામમાં ભારે તણાવનું વાતાવરણ પેદા થયું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ નાના-મોટા પ્રશ્નોને કારણે બંને પક્ષો વચ્ચે અગાઉથી મતભેદ ચાલતા હતા. તાજા બનાવમાં વિવાદ એટલો વધી ગયો કે સરપંચના પરિવારજનોએ ગુસ્સામાં આવીને પૂર્વ સરપંચના ઘરમાં ઘુસણખોરી કરી હુમલો કર્યો. હિંસક બનાવ દરમિયાન પૂર્વ સરપંચના પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મહીપત રાણાના પુત્રોએ ફળિયામાં રહેલા રહીશો પર પણ ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ભયનો માહોલ છવાઈ ગયો હતો.

આ અચાનક બનેલા ઘટનાક્રમથી સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે દોડધામ કરી હતી. હાલ પોલીસે બંને પક્ષોની રજૂઆતો સાંભળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં તણાવ વધતા પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ન સર્જાય.

ગામજનોમાં દહેશતનું વાતાવરણ જોવા મળ્યું હતું. એક તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓના પરિવારો વચ્ચે આવા હિંસક બનાવો બનતા લોકોમાં અસંતોષ ફેલાયો છે. સામાન્ય લોકોનું માનવું છે કે ગામના હિત માટે પસંદ થયેલા નેતાઓ વચ્ચે જો આવા ઝઘડા થશે તો ગામના વિકાસકાર્ય પ્રભાવિત થશે. પોલીસ દ્વારા બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે અને જવાબદાર સામે કડક પગલાં લેવાશે તેવી ખાતરી અપાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande