સોમનાથ 18 ઓગસ્ટ (હિ.સ.) આંગણવાડીના ભૂલકાંઓને સોમનાથ દાદાના આશીર્વાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે, સોમનાથ ટ્રસ્ટના દૈનિક લાડુપ્રસાદ વિતરણનો પ્રારંભ.
આ પાવન પ્રસંગે માનનીય મુખ્યમંત્રીના હસ્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના નાના ભૂલકાંઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનો આરંભ કરવામાં આવ્યો હતો.
માન.મુખ્યમંત્રી દ્વારા પોતાના હાથે ભૂલકાંઓને લાડુ ખવડાવીને આ સેવાનો પ્રારંભ કર્યો હતો આગામી એક વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ 7,00,000 લાડુ આંગણવાડીના ભૂલકાંઓને દૈનિક રૂપે પ્રસાદ રૂપે વિતરણ કરાશે. અંદાજિત રૂ. 1 કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપ 28 ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે.
સોમનાથ ટ્રસ્ટ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ બાળકોને સુપોષિત કરવાની દિશામાં સંકલ્પબધ્ધ છે. ટ્રસ્ટ દ્વારા પોષણ પ્રસાદ વિતરણમાં ગીર-સોમનાથ જિલ્લાના 6 તાલુકાના 8 આંગણવાડી ઘટકોની 1200 થી વધુ આંગણવાડીઓમાં બાળકી-બાળકોને નિયમિત રીતે સુપોષણ યુક્ત આહાર સ્વરૂપે મહાદેવનો પ્રસાદ પહોંચાડવામાં આવશે.
વિશેષ વાત એ છે કે, આ લાડુ પ્રસાદના પેકિંગ માટે ટ્રસ્ટે માનવ હસ્તક્ષેપ વિનાનું પેકેજિંગ મશીન વિકસાવ્યું છે, જે એર-ટાઇટ રીતે અને પૂર્ણ સ્વચ્છતા સાથે લાડુ પેક કરે છે. સાથે સાથે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ રૂપે પેકિંગમાં બાયોડિગ્રેડેબલ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ સેવા યાત્રાનો આરંભ મહાદેવના પ્રિય મહિના શ્રાવણ માસના સોમવારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યો છે. કોઈ પણ જાતિ કે ધર્મ ભેદ વિના તમામ ભૂલકાંઓને દાદાના પોષણ પ્રસાદનું વિતરણ આગામી 1 વર્ષ સુધી અવિરત થતું રહેશે.
સામાજિક સેવા યજ્ઞ સોમનાથ ટ્રસ્ટની પરંપરા:
નાના ભૂલકાઓ સોમનાથ દાદાના વિશેષ પ્રિય છે, અને ટ્રસ્ટના આદરણીય અધ્યક્ષ દેશના શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બાળકોના સુપોષણને હંમેશા પ્રાથમિકતા આપતા હોય ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કેરીની સિઝનમાં “કેરી મનોરથ” યોજી જિલ્લાના આંગણવાડી બાળકોને અંદાજિત 2500 કિલો કેરીનું વિતરણ કરવામાં આવે છે. થોડા સમય પહેલા જ કચ્છની મીઠી મધુરી ખારેકનો સોમનાથ દાદાનો મનોરથ કરી 1500 કિલો ખારેક આંગણવાડીમાં વિતરણ કરવામાં આવી હતી. વિશેષ રૂપે ગીર સોમનાથ ની આંગણવાડીઓમાં ટ્રસ્ટ દ્વારા દૈનિક 50 ગ્રામ મગફળી અને ગોળની ચિક્કી પોષણ આહાર સ્વરૂપે એક વર્ષ સુધી વિતરણ કરવામાં આવેલ.
ટ્રસ્ટની સમાજના દરેક વર્ગને સ્પર્શતી સેવાઓ:
શ્રી સોમનાથ મંદિર સૌના નાથ સોમનાથ એ ધ્યેય સાથે સમાજના દરેક વર્ગને સ્પર્શતી સેવાઓ કરી રહ્યું છે. સોમનાથ મહાદેવને અર્પિત પીતાંબર તથા માતા પાર્વતીને અર્પિત સાડીઓ વસ્ત્રપ્રસાદ સ્વરૂપે છેલ્લા બે વર્ષમાં 17,000 થી વધુ જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવેલ છે.
પ્રતિ માસ દાંત રોગ નિદાન કેમ્પ, કૃત્રિમ અંગ વિતરણ, ફિઝિયોથેરાપી સેવા સર્વ રોગ નિદાન કેમની પ્રતિ વર્ષ હજારો લોકોને લાભ મળે છે. ટ્રસ્ટની ગીર ગૌશાળામાં ઉત્તમ ગૌવંશનું સંવર્ધન તથા રાજ્યની ગૌશાળાઓમાં નંદી પ્રસાદ આપી ગુજરાતની ગૌશાળાઓમાં ગીર ગાયોના વંશ સુદ્રાઢીકરણનું કાર્ય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આમ ગીર સોમનાથ અને ગુજરાતમાં પ્રધાનમંત્રી અધ્યક્ષતામાં અખંડ સેવાની ધૂની ચલાવતું સોમનાથ મંદિર ટ્રસ્ટ ભક્તોના મનમાં સ્વચ્છતા, પવિત્રતા, સ્વાસ્થ્ય અને સમાનતાનો પર્યાય બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ