ભાવનગર, 13 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ હર ઘર તિરંગા - હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શહેરના મુખ્ય માર્ગો પર દેશભક્તિના નારા, ગીતો અને તિરંગાના લહેરાતા દ્રશ્યો વચ્ચે યાત્રાને ઉમળકાભેર પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
કાર્યક્રમમાં મહાનગરપાલિકા અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના પ્રતિનિધિઓ, શાળાના વિદ્યાર્થીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. યાત્રા દરમિયાન સ્વચ્છતા અને દેશપ્રેમના સંદેશ સાથે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી. યાત્રાની માર્ગરેખા પર પીવાના પાણીની સુવિધા, તબીબી સહાય અને ટ્રાફિક વ્યવસ્થાની ચુસ્ત કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી હતી. શહેરના અનેક સ્થળોએ નાગરિકોએ તિરંગા લહેરાવી યાત્રાનો આવકાર કર્યો અને સેલ્ફી પોઈન્ટ પર યાદગાર ક્ષણોને કેદ કરી.
આ કાર્યક્રમનો હેતુ સ્વચ્છતા પ્રત્યે નાગરિકોની જવાબદારી વધારવા સાથે દરેક ઘરમાં તિરંગા ફરકાવવાની પ્રેરણા આપવાનો હતો. અંતે, અધિકારીઓએ આ અભિયાનને સફળ બનાવવા સહભાગી બનેલા તમામ નાગરિકો અને સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai