ભાવનગર , 13 ઓગસ્ટ (હિ.સ.): ભાવનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને બજારવ્યવસ્થાને મજબૂત દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાએ કાર્યરત ત્રણ પ્રખ્યાત FPOs — ગૌસ્તવ, BUDVS અને શેત્રુંજી SPNF — વચ્ચે ભાવેણા નેચરલ કોમન બ્રાન્ડ માટે ત્રિપક્ષીય MOU (Memorandum of Understanding) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
આ પ્રસંગે ભાવનગરના માનનીય જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ભાવેણા નેચરલ બ્રાન્ડ દ્વારા જિલ્લામાં ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને એકસમાન ઓળખ, ગુણવત્તા અને બજારમાં સ્પર્ધાત્મક સ્થાન મળશે. MOU અંતર્ગત ત્રણેય FPO તેમના ઉત્પાદનોનું પેકેજિંગ, માર્કેટિંગ અને વિતરણ એકસાથે કરી શકશે, જેથી ખર્ચમાં ઘટાડો અને નફામાં વધારો થશે. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ માત્ર પર્યાવરણ અને માટી માટે લાભદાયક નથી, પરંતુ ખેડૂતોને રાસાયણિક મુક્ત, સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરે છે. ભાવેણા નેચરલ બ્રાન્ડ હેઠળનું સંયુક્ત વેચાણ ખેડૂતોને સ્થિર બજાર અને યોગ્ય ભાવ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે. ત્રણેય FPOના પ્રતિનિધિઓએ જણાવ્યું કે, આ પહેલ ખેડૂતોના આવક સ્તરમાં વધારો કરશે અને પ્રાકૃતિક કૃષિ તરફ વધુ ખેડુતોને આકર્ષશે. આ બ્રાન્ડ હેઠળ અનાજ, દાળ, તેલબિયાં, મસાલા અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદનોનું વેચાણ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કરવાની યોજના છે.
અંતે, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને ખેડૂત પ્રતિનિધિઓએ આ પ્રયાસને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે જિલ્લાની દિશામાં મહત્વપૂર્ણ મંજિલ ગણાવી અને ભવિષ્યમાં વધુ નવીનતા અને સહકાર દ્વારા તેને વિસ્તૃત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai