પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.): ‘એક પેડ માં કે નામ 2.0’ અભિયાન હેઠળ રાજ્યમાં ચાલી રહેલા 76મા વન મહોત્સવના ભાગરૂપે પાટણ તાલુકાના સંખારી ગામમાં મહત્વપૂર્ણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. સંખારી ગ્રામ પંચાયતે વન વિભાગને ત્રણ હેક્ટર જમીન ફાળવી, જેમાં 30,000 વૃક્ષો વાવવામાં આવશે. વન વિભાગ દ્વારા લીમડા, પીપળા, જાંબુ, સેવન, આંબા, ખાટી આમલી, લીંબુ, જામફળ, ચંપા, કદમ, વડ, ઉમરા સહિતની દેશી પ્રજાતિના વૃક્ષો તથા કુલ 80 પ્રકારના ફળ, ફૂલ અને ઔષધીય છોડનું રોપણ થશે, જે ગામના સૌંદર્યમાં વધારો કરશે.
કાર્યક્રમમાં ગામના સરપંચ જયેશભાઈ પટેલ, તાલુકા પંચાયતના ડેલિગેટ સોહન પટેલ, ઉપસરપંચ સેધાભાઈ પરમાર, લાલાજી ઠાકોર તથા વન વિભાગના અધિકારીઓ એસ.એસ. પરમાર, વી.એસ. ઠાકોર અને એ.એસ. ચૌધરી સહિતના અનેક અધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર