જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જોડિયા તાલુકાના કેશિયા ગામમાં 'હર ઘર તિરંગા' અને 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ હેઠળ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 600 ફૂટના તિરંગા સાથે યોજાયેલ વિશાળ રેલી સૌના આકર્ષકનું કેન્દ્ર બની હતી.
જોડિયા તાલુકાના કેશિયા ગામે 79મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષની થીમ હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ હેઠળ ગ્રામજનો, વિદ્યાર્થીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા.
સવારે 8:00 વાગ્યે રામ મંદિરથી શરૂ થયેલી આ યાત્રા બસ સ્ટેન્ડ સુધી પહોંચી હતી. આ યાત્રાનું મુખ્ય આકર્ષણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરાયેલ 600 ફૂટ લાંબો તિરંગો હતો, જેણે ઉપસ્થિત સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. તિરંગા યાત્રા બાદ, 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા કેશિયા ગામમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા, પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, આગેવાન જયસુખભાઈ પરમાર, મામલતદાર જેનિશ મહેતા, અને તાલુકા વિકાસ અધિકારી બ્રિજેશ સોજીત્રા, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ મંગાભાઈ ધ્રાંગિયા, સરપંચ મિતાલીબેન ભટ્ટી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt