18 દિવસ પહેલા વન વિભાગે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું
ગ્રામજનોને આ દીપડાને છેલ્લા મહિનાથી સીમમાં અને માનવ વસ્તીમાં જોવા મળતો હતો
પાંજરે પુરાયેલા દીપડાને માઈક્રોચીપ લગાવી ઊંડાણના જંગલમાં છોડવામાં આવશે
ભરૂચ 14 ઓગસ્ટ (હિ.સ.)
વાલિયા તાલુકાના ડુંગરી ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાયો છે.છેલ્લા મહિનાથી ડુંગરી ગામની સીમમાં તેમજ ગામ નજીક ગ્રામજનોની નજરે દીપડો ચડતો હોવાથી તેની જાણ વાલિયા તાલુકાના વન વિભાગના આરએફઓને લેખિતમાં કરવામાં આવતા મારણ સાથે 18 દિવસ પહેલા દીપડો પકડવા પાંજરું મૂકવામાં આવ્યું હતું.જેમાં ગતરોજ રાત્રિના સમયે શિકારની શોધમાં આવતા દીપડો પાંજરે પુરાયો હતો.
ડુંગરી ગામના સૈયદ કડીવાલાના ખેતરમાં દીપડો દેખા દેતા વન વિભાગને જાણ કરતા 28/ 07/ 2025 ના રોજ વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘણા દિવસો ગ્રામજનોને આ દિપડો ગામની સીમમાં તેમજ ગામમાં પણ જોવા મળતો હતો પરંતુ પાંજરામાં ફરક તો પણ નહીં હોવાથી પકડાયો નહીં .ગતરોજ રાત્રિના શિકારની શોધમાં પાંજરા નજીક આવી પાંજરામાં અંદર પ્રવેશ કરતા દીપડો પુરાઈ ગયો હતો . બનાવવાની જાણ ખેતર માલિક તેમજ લોકોને થતા દૂર દૂરથી લોકો જોવા આવી ચડ્યા હતા. સવારે વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલને જાણ કરતા વાલિયા રેન્જમાંથી તેના સ્ટાફ સાથે ડુંગરી આવી પાંજરા સાથે દીપડાને નર્સરીમાં લાવી મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેની તપાસ કરતા આ નર દીપડો 80 થી 85 કિલો વજનનો અને 192 સેન્ટીમીટર લંબાઈ નો પાંચ વર્ષથી વધુ ઉંમરનો હોવાની માહિતી મળી હતી . દીપડાને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની પરવાનગીથી ઊંડાણના જંગલોમાં ખોરાક અને પાણીની સગવડ હોય ત્યાં મુક્ત કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ