પાટણ, 14 ઓગસ્ટ (હિ.સ.) પાટણ નગરપાલિકા દ્વારા રોટલીયા હનુમાનથી હાસાપુર ડેરી સુધી નવો RCC રોડ બનાવવામાં આવશે, જેના નિર્માણ પર રૂ. 47 લાખથી વધુનો ખર્ચ થશે. આ રોડ બનાવવાથી વિસ્તારના રહીશોને અવરજવરમાં સરળતા મળશે અને દૈનિક જીવનની સુવિધામાં વધારો થશે.
આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગુજરાત પ્રદેશ ભાજપ OBC મોરચાના અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ મયંક નાયકના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલ, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ અને જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશ પટેલ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પાટણ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા રોડ નિર્માણ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર