ભુજ – કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.) હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ અભિયાન સાથે રાજ્યમાં હાલમાં ઉત્સાહભેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જિલ્લાના ગામોમાં ભારત માતા કી જયનો નાદ ગૂંજી ઉઠ્યો છે. છેવાડાના અને અંતરિયાળ એવા ધોરડો સહિતના ગામોમાં તિરંગા યાત્રા સહિતના આયોજનો થયાં હતા અને સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણી કરાઇ હતી.
બીએસએફના જવાનોએ યોજી બાઇક રેલી
કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત કચ્છના વિવિધ ગામોમાં અને જાહેર સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ હતી. હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન હેઠળ પલાસવામાં, સરહદી વિસ્તાર ધોરડો તથા બી.બી.એમ. હાઇસ્કૂલ, બિદડા ખાતે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ અભિયાન અન્વયે રાપર નગરપાલિકા દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લોદ્વાણી સરહદી વિસ્તારોમાં બી.એસ.એફ.ના જવાનો દ્વારા બાઈક રેલી કરી તિરંગા યાત્રા યોજવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA