વડોદરા, 14 ઓગસ્ટ (હિ.સ.) આગામી દિવસોમાં ઉજવાતા ધાર્મિક તેમજ રાષ્ટ્રીય તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ખાસ પગલાં લેવામાં આવી રહ્યા છે. તહેવારો દરમ્યાન શહેરમાં ભારે ભીડ રહેતી હોવાને કારણે વિવિધ સ્થળોએ ચુસ્ત ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના મહત્વના સ્થળો જેમ કે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશનના વાહન પાર્કિંગ વિસ્તાર તથા ભીડભાડ વાળા સ્થળોએ પોલીસ દ્વારા અચાનક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ ચેકિંગ દરમ્યાન બોમ્બ સ્કોડ તથા ડોગ સ્કોડની ટીમોને પણ સાથે રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ શંકાસ્પદ સામાન અથવા પ્રવૃત્તિનો ઝડપથી પત્તો લગાવી શકાય. ડોગ સ્કોડના ટ્રેન્ડ ડોગ્સ દ્વારા પાર્કિંગ વિસ્તારમાં ઉભેલા વાહનો, સામાન અને આસપાસના વિસ્તારોની સુઘંધ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ સ્કોડ ટીમ આધુનિક સાધનોની મદદથી સુક્ષ્મ તપાસ કરી રહી છે, જેથી નાનામાં નાનું ખતરો પણ પૂર્વે જ શોધી શકાય.
પોલીસ અધિકારીઓ દ્વારા જણાવાયું છે કે, તહેવારોના સમયગાળામાં લોકો નિર્ભયતાથી ઉજવણી કરી શકે તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. સ્ટેશન, બસ ટર્મિનલ, બજાર વિસ્તાર, ધાર્મિક સ્થળો અને અન્ય ભીડવાળા વિસ્તારોમાં પણ પોલીસનું વિશેષ પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ માટે સીસીટીવી મોનિટરિંગ પણ વધારવામાં આવ્યું છે.
આ સમગ્ર કામગીરીનો હેતુ જનતામાં સુરક્ષાની ભાવના મજબૂત કરવો અને સંભવિત ખતરાઓને પૂર્વે જ અટકાવવાનો છે. વડોદરા શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ શંકાસ્પદ વસ્તુ અથવા વ્યક્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરે, જેથી સૌ સાથે મળીને શહેરને સુરક્ષિત રાખી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya