બોટાદ 14 ઓગસ્ટ (હિ.સ.) બોટાદ જિલ્લામાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ’ અભિયાન અંતર્ગત રોહીશાળા ગામમાં વિવિધ કાર્યક્રમો યોજાયા. સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે સ્વચ્છતાનો સંદેશ પ્રસારે તે હેતુથી ગામમાં સ્વચ્છતા રેલીનું આયોજન થયું, જેમાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને સરપંચ સહિતના આગેવાનો જોડાયા.
કાર્યક્રમની શરૂઆત સ્વચ્છતા શપથ સાથે થઈ, જેમાં ઉપસ્થિત સૌએ પોતાના આસપાસનું પર્યાવરણ સ્વચ્છ રાખવાનો સંકલ્પ કર્યો. ત્યારબાદ ગામની જાહેર જગ્યાઓ પર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી. કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો, તેમજ ગ્રામજનોને કચરાનું વિભાજન, પ્લાસ્ટિકના ઓછા ઉપયોગ અને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરણા આપવામાં આવી.
આ પહેલનો મુખ્ય હેતુ સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવો, જાહેર આરોગ્ય સુધારવો અને ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સૌની ભાગીદારી સુનિશ્ચિત કરવો હતો. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી અને સ્વતંત્રતા દિવસના ઉત્સાહ સાથે સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai