વડોદરા 14 ઓગસ્ટ (હિ.સ.): દેશના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અવસરે વિર સ્મારક સ્વચ્છતા અભિયાન અંતર્ગત વડોદરા શહેરના વોર્ડ નં-10 માં આવેલા ભાયલી વિસ્તારમાં સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની વિશેષ સાફ-સફાઈ કરવામાં આવી. પ્રતિમા આસપાસના વિસ્તારમાં કચરો, ધૂળ અને ઝાંખું દૂર કરી સ્વચ્છતા જાળવવામાં આવી. ત્યારબાદ પ્રતિમાને પાણીથી ધોઈ ચમકાવવામાં આવી અને સુગંધિત પુષ્પોથી સજાવી પૂજન વિધિ કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ડૉ. આંબેડકરના દેશ અને સમાજ માટેના અવિસ્મરણીય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે મારી સાથે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશભાઈ સોની, સ્થાનિક કાઉન્સિલરો, શહેર તથા વોર્ડના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સૌએ મળી સ્વચ્છતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો. સ્વચ્છતા અભિયાન દરમ્યાન હાજર રહેલા તમામ કાર્યકર્તાઓએ શ્રમદાન આપીને પ્રતિમા આસપાસનું સૌંદર્ય વધાર્યું. આ અભિયાનનો હેતુ માત્ર પ્રતિમાની સાફ-સફાઈ પૂરતો નથી, પરંતુ સમાજમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે જ જનતા સુધી સંદેશ પહોંચાડવો કે રાષ્ટ્રના વિર પુરુષોને માત્ર શબ્દોથી નહીં પરંતુ કાર્યો દ્વારા સન્માન આપવું જોઈએ. સ્વચ્છતા જાળવવી એ તેમનો સચ્ચો સન્માન છે.
અંતે, કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોએ સંકલ્પ લીધો કે પોતાના વિસ્તારને સ્વચ્છ, સુંદર અને હરિયાળો બનાવવામાં સતત યોગદાન આપશે. આ રીતે ભાયલી વિસ્તારના આ સ્વચ્છતા અભિયાનથી સ્વતંત્રતા દિવસની ઉજવણી વધુ અર્થપૂર્ણ અને પ્રેરણાદાયક બની.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya