સુરત, 14 ઓગસ્ટ (હિ.સ.)-શહેરના વરાછા વિસ્તારમાં રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને ડુમસનો ઠગબાજ હીરા વેપારી ભેટી ગયો હતો. ડુમસના હીરા વેપારીએ જીએ ડિમાન્ડસ નામની એપ્લિકેશનમાં પોતાના હીરાની ડિમાન્ડ મૂકી હતી. જેથી આખરે વેપારીએ તેમને સંપર્ક કરી રૂપિયા 3.08 લાખના હીરા આપ્યા હતા. જોકે બાદમાં વેપારીએ એક પણ રૂપિયો નહીં આપી ઓફિસ પણ બંધ કરી પલાયન થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર હીરા વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગબાજ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે વરાછા વિસ્તારમાં એકે રોડ પર વૈદરાજ મહાદેવ મંદિર ની બાજુમાં આવેલ નારાયણ નિવાસમાં રહેતા અભિષેક ચંદ્રેશકુમાર પારેખ એ ગતરોજ મહિધરપુરા પોલીસ મથકમાં મૂળ બનાસકાંઠાના ધાનેરા જિલ્લાના મેવાડા ગામના વતની અને સુરતના ડુમસ સુલતાના બાદમાં એસ.એમ.એસ મણીના બિલ્ડીંગ ખાતે રહેતા કમલેશ હંસરાજભાઈ પુરોહિત સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે કમલેશભાઈ પુરોહિતે જીએ ડિમાન્ડ નામની એપ્લિકેશનમાં પોતાના હીરાની ડિમાન્ડ મૂકી હતી. જેથી અભિષેકે તેમનો કોન્ટેક કરી વાતચીત કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે હીરાની ખરીદી અને વેચાણનો વ્યવસાય ચાલુ થયો હતો. ત્યારબાદ તારીખ 3/3/2025 ના રોજ જીએ ડિમાન્ડ નામની એપ્લિકેશનમાં પોતાની હીરાની ડિમાન્ડ મૂકી તેમનો સંપર્ક કરતા તેમણે મહિધરપુરા વિસ્તારમાં જદાખાડી ખાતે સરયૂ ચેમ્બરમાં પોતાની ઓફિસે અભિષેકને મળવા બોલાવ્યો હતો. જેથી અભિષેક ત્યાં મળવા માટે જતા તેમણે હીરા 24.90 કેરેટના ડિમાન્ડ કરી હતી. જેથી અભિષેકભાઇએ 3.08 લાખના હીરા કમલેશભાઈ પુરોહિત ને બાકીમાં આપ્યા હતા અને દસ દિવસમાં પૈસા ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો. પરંતુ બાદમાં પૈસા આપવામાં ગલ્લા ગલ્લા કરી કમલેશ પુરોહિતે એક પણ રૂપિયો ચૂકવ્યો ન હતો અને ઓફિસ બંધ કરી પલાયન થઈ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર અભિષેકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગબાજ કમલેશ હંસરાજ પુરોહિત સામે છેતરપંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે