જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.): જામનગર જિલ્લામાં આવેલી ખાનગી કંપનીમાંથી બે મહિનામાં સાત ટ્રક ડ્રાઈવરે રૂ.૧ કરોડ ૧૦ લાખ ઉપરાંતનો વધારાનો સ્ક્રેપ સારી લીધાની અને તે કૃત્યમાં એક પેઢીના સંચાલક, બે સુપરવાઈઝર તેમજ વેબ્રીજના ત્રણ ઓપરેટરે સહયોગ આપી ખાનગી કંપનીને ચૂનો ચોપડી દીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે કુલ ૧૩ સામે ગુન્હો નોંધી તપાસ આરંભી છે.
જામનગર જિલ્લામાં આવેલી ખાનગી કંપનીમાં ગયા મે મહિનાની ૧૨ તારીખથી જુલાઈ મહિનાની ૧૦ તારીખ સુધીમાં એસ.એમ. એન્ટરપ્રાઈઝ નામની પેઢીના સંચાલક, સુપરવાઈઝર, વેબ્રીજ ઓપરેટર, ટ્રક ડ્રાઈવર મળી ૧૩ વ્યક્તિએ કુલ રૂ.૧ કરોડ ૧૦ લાખ ઉપરાંતનો વધારાનો સ્ક્રેપ ઉઠાવી લીધાની નબાકિશોર રામચંદ્ર મિશ્રાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ઉપરોક્ત બેએક મહિનાના સમયગાળામાં ખાનગી કંપનીમાં કામ રાખનાર એસ.એમ. એન્ટરપ્રાઈઝના સંચાલક અમદાવાદના વિનોદ પટ્ટણી, તેના ખાનગી કંપનીમાં કામ માટે આવેલા સુપરવાઈઝર જીતેન્દ્ર વિરાણી, અનિલ ચુડાસમા તેમજ વેબ્રીજના ઓપરેટર શક્તિસિંહ જાડેજા, હીરેન સોનગરા, સંજય ડોરૂ તેમજ ટ્રક ડ્રાઈવર મહંમદ અહેમદ પઠાણ, બજેન્દ્રસિંહ, ગિરીજ વરીયાણી, મયુર, રવિ સોલંકી, વિશાલસિંહ, સાલેન્દ્ર યાદવ નામના તેર વ્યક્તિએ સ્ક્રેપ ભરેલા ટ્રકનો વજન વધારે હોવા છતાં ઓછો બતાવી, તેની સ્લીપ બનાવી નાખી ખાનગી કંપનીમાંથી ૩૧૪ ટન લોખંડ વગેરેનો સ્ક્રેપ સારી લીધો હતો. તે ઉપરાંત જીજે-૧૦-ટીવી ૭૧૧૯ નંબરના ટ્રકમાં ૨૦૯૩૦ કિલોગ્રામ સ્ક્રેપ ઉઠાવ્યો હતો. આમ કુલ રૂ.૧, ૧૧,૦૨,૯૨૯નો સ્ક્રેપ ઉઠાવી જઈ ખાનગી કંપનીને નુકસાન પહોંચાડ્યું હતું. ખાનગી કંપનીના કર્મચારી નબાકિશોર મિશ્રાએ કરેલી આ ફરિયાદ પરથી મેઘપર પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ટી. જયસ્વાલે ગુન્હો નોંધી તપાસ આરંભી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt