ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) તમાકુના વધતા જતા સેવન અને તેનાથી સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરોને ધ્યાનમાં રાખી જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય વિભાગ ગીર સોમનાથ દ્વારા જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમના કડક અમલીકરણ માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.
ભારત સરકાર દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩નો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદાની કલમ-૪ હેઠળ જાહેરમાં ધુમ્રપાન કરવું ગુનો છે. ધુમ્રપાનથી ધુમ્રપાન કરનાર અને તેના સંપર્કમાં આવતી અન્ય વ્યક્તિઓને થતા નુકસાનને રોકવા આ કાયદાનું પાલન કરવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.
જાહેરમાં ધુમ્રપાન કરતા પકડાય તો કાયદેસર દંડ ભરપાઈ કરવાની જોગવાઈ છે. કલમ-૫ અંતર્ગત તમાકુ કે તમાકુની બનાવટોની પ્રત્યક્ષ કે પરોક્ષ જાહેરાત આપવા પર પ્રતિબંધ.
કલમ-૬(અ) મુજબ ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટની વસ્તુ વેચવી કે વેચાણ માટે આપવી દંડનીય અપરાધ છે.
૧૮ વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિઓને તમાકુનું વેચાણ દંડનીય અપરાધ છે એ મુજબની ચેતવણીનું બોર્ડ જિલ્લાના તમામ તમાકુની બનાવટોનું વેચાણ કરતી દુકાનો તથા પાનના ગલ્લાઓમાં ચેતવણીના બોર્ડ પ્રદર્શિત કરવા ફરજીયાત છે, બોર્ડ પ્રદર્શિત ન થાય તો કાયદેસર દંડ ભરપાઈ કરાવવાની જોગવાઈ છે.
કલમ-૬(બ) મુજબ શૈક્ષણિક સંસ્થાની આસપાસ ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટના વેચાણ ઉપર સખત પ્રતિબંધ છે. જેથી જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાની આસપાસ તમાકુ વેચાણ કરતા દુકાનદારોને તમાકુ વેચાણ કરવાનું બંધ કરવા અપીલ છે અન્યથા દંડની જોગવાઈ છે.
કલમ-૭ નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા અને સિગારેટ અને બીડીનાં છૂટક વેચાણ કરવા પર પ્રતિબંધ છે.
ગીર સોમનાથ જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ અને દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને દંડની વસૂલાત કરાશે. ગીર સોમનાથ જીલ્લો તમાકુ મુક્ત જીલ્લો બનાવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ