ગીર સોમનાથ 14 ઓગસ્ટ (હિ.સ.) જિલ્લામાં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ગીરગઢડાની ક્રિષ્ના પાર્ક સોસાયટી ખાતે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને થવાની છે.
જિલ્લા કક્ષાની ઉજવણીના પૂર્વતૈયારીના આયોજન અર્થે આજરોજ કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા પોલીસવડા શ્રી મનોહરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સ્થળે રિહર્સલ કરવામાં આવ્યું હતું.
ગીરગઢડાની ક્રિષ્ના પાર્ક સોસાયટીના મેદાનમાં કલેક્ટરએ પરેડ નિરીક્ષણ, પોલીસ પ્લાટૂન દ્વારા સલામી સહિત વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની થીમ પર રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યાં હતાં.
કાર્યક્રમો અને ઉજવણીની તૈયારીઓને અનુલક્ષીને સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીશ્રીઓને કલેક્ટરશ્રીએ માર્ગદર્શિત કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, ૧૫મી ઓગસ્ટનું રાષ્ટ્રીય પર્વ નાગરિકો માટે યાદગાર બની રહે તે રીતે ઉજવણી માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સજ્જ થયું છે. નાગરિકો સરળતાથી ધ્વજવંદન પરેડ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી શકે એ રીતે સુનિયોજીત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ