ભુજ – કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણમાં ગંજીપાનાથી જુગાર રમતા લોકો ઉપર પોલીસ ધોંસ બોલાવી રહી છે ત્યારે ભુજમાં હાઇપ્રોફાઇલ જુગાર ઉપર રેડ પડી હતી. રીજેન્ટા હોટલમાંથી કચ્છના માજી જિલ્લા વિકાસ અધિકારી સી. જે. પટેલ સહિતના કેટલાક ઉચ્ચાધિકારીઓ હોવાનું મનાય છે.
1.14 લાખ રોકડ સહિત 15.84 લાખનો મુદ્દામાલ જપ્ત શહેરની રેજેન્ટા હોટલમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડી સાત ખેલીને રોકડા રૂા. 1.14 લાખ સહિત રૂા. 15.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દારૂની મહેફિલ પણ હોવાથી અલગ ગુના દાખલ થયા હતા. આ દરોડામાં ઝડપાયેલા આરોપીઓ માજી સનદી અધિકારી અને વર્તમાન ઉચ્ચ સરકારી અધિકારી હોવાથી આ દરોડો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.
તિનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી સાચી પડી-
આ ચર્ચાસ્પદ દરોડા અંગે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ પીઆઈ એ.એમ. પટેલને ખાનગી બાતમી મળી હતી કે, હોટલ રીજેન્ટાના રૂમ નં. 404માં તીનપત્તીનો જુગાર રમાઈ રહ્યો છે. આમ નાયબ પોલીસ અધીક્ષક પાસેથી વોરંટ મેળવી પંચોને સાથે રાખી મધ્યરાતે પોલીસે દરોડો પાડતાં તીનપત્તીનો જુગાર રમતા કિરીટભાઈ રમેશભાઈ પટેલ, જયેન્દ્રસિંહ મીઠુભા ઝાલા, ચિરાગ બળદેવભાઈ ડોડિયા, સંજયભાઈ પ્રવીણભાઈ પટેલ, નરેન્દ્રભાઈ અરવિંદભાઈ ભદ્રા, અરવિંદકુમાર ચત્રભુજ ગોર (રહે. તમામ ભુજ) અને ચંદ્રકાંતભાઈ જાદવજી પટેલ (થલતેજ-અમદાવાદ)ને રોકડા રૂા. 1,14,100, આઠ મોબાઈલ કિં. રૂા. 4,70,000 અને એક કાર કિં.રૂા. 10 લાખ એમ કુલ રૂા. 15,84,100ના મુદ્દામાલ સાથે ઝડપી જુગારધારા તળે ગુનો દાખલ કરાયો હતો.
મોંઘેરા વિદેશી શરાબની બે બોટલ પણ મળી-
આરોપીઓના મોઢા સૂંઘતા કિરીટભાઈ અને જયેન્દ્રસિંહ દારૂ પીધેલી હાલતમાં મળતાં મોંઘેરા વિદેશી શરાબની બે બોટલ પણ મળી હતી. આથી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તળે અલગથી ફરિયાદ નોંધાઈ હતી. આ દરોડા બાબતે પોલીસ દ્વારા દાખલ કરાયેલી એફઆઈઆરમાં આરોપીઓની સરનામા સિવાય અન્ય કોઈ ઓળખ બતાવાઈ નથી. લોકચર્ચા મુજબ આ આરોપીઓમાં કચ્છના જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકેલા નિવૃત્ત કલેક્ટર ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના પૂર્વ કાર્યપાલક ઈજનેર અને વર્તમાન ઈજનેર સહિત ત્રણ અધિકારી, સ્ટેટ આઈબીના નિવૃત્ત એએસઆઈ તેમજ વેપારી વિગેરેનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA