જૂનાગઢ, 14 ઓગસ્ટ (હિ.સ.) પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ અને ભાણવડ મહાજન પાંજરાપોળ ગૌશાળા, ભાણવડના સંયુક્ત ઉપક્રમે વિઠ્ઠલદાસ છગનલાલ ગાંગાણી પરિવારના આર્થિક સહયોગ દ્વારા ભાણવડ ગામ ખાતે પશુ રોગ નિદાન અને સારવાર મેગા કેમ્પનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.
આ મેગા કેમ્પમાં વિશેષ અતિથી તરીકે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પી.એચ.ટાંક હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડૉ.એમ.આર. ગડરિયા, આચાર્યશ્રી, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢ, ડૉ.જે.એસ.પટેલ, સહ વિસ્તરણ શિક્ષણ નિયામકકામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર, ડૉ.બી.ડી.પટેલ, ગુજરાત વેટરનરી કાઉન્સિલ પ્રમુખ, ગુજરાત રાજ્ય પશુપાલન ખાતાના નાયબ પશુપાલન અધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયત– દેવભૂમિ દ્વારકા અને જામનગર, પશુ ચિકિત્સા અધિકારી ભાણવડ, સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળના અધિકારીઓ, ભાણવડ મહાજન પાંજરાપોળ ગૌશાળા, ભાણવડના ટ્રસ્ટીઓ અને દાતાઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆત કામધેનુ યુનિવર્સીટીના કુલપતિ ડૉ.પી.એચ.ટાંક અને અન્ય મહેમાનોન હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરાઈ હતી. જેમાં કુલપતિએ પ્રસાંગિક ઉદબોધન આપ્યું હતું. આ ઉપરાંત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના નિષ્ણાત તબીબો અને પ્રાધ્યાપકો- ડો.આર.એચ.ભટ્ટ (સર્જરી), ડો.કે.બી.વાળા (ગાયનેકોલોજી), ડૉ.એ.એ.વાઘ (મેડિસિન), ડૉ.એન.આર.પાડલીયા (સર્જરી), ડૉ. જે.આર.ડામોર (મેડિસિન), ડૉ.જે.સી.ઠાકોર (પેથોલોજી), ડૉ.પી.એચ.શાહ (વિસ્તરણ) અને ડો.એ.એમ.દેસાઈ (વિસ્તરણ) દ્વારા પશુઓનું નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ વિસ્તરણને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિધાર્થીઓએ કેમ્પમાં ઉત્સાહપૂર્ણ ભાગ લીધો હતો.
તેમજ ભાણવડ અને આસપાસના વિસ્તારના અંદાજીત ૨૦૦ જેટલા પશુપાલકોએ આ મેગા કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પ દરમિયાન પશુઓની જુદી જુદી પ્રજાતિઓ જેવી કે, ગાય, ભેંસ, ઘેટા, બકરા, કુતરા જેવા અન્ય પાલતુ પ્રાણીઓના રોગનું નિદાન તેમજ સારવાર કરવામાં આવી હતી. નિદાન અને સારવાર કેમ્પ હેઠળ સર્જરીના ૧૧, ગાયનેકોલોજીના ૧૫, મેડીસીનના ૧૨૦ એમ કુલ ૧૪૬ જેટલા કેસની સારવાર સ્થળ પર જ આપવામાં આવી હતી. આ ઉપરાંત અંદાજીત ૬ હજાર જેટલા ઘેટા-બકરા માટેની કૃમિનાશક દવાનું વિતરણ પણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. તેમ આચાર્યશ્રી, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સીટી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ