જૂનાગઢ, 14 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં પ્રવર્તમાન હવામાન પરિસ્થિતિમાં જે વિસ્તારમાં વરસાદ ખેંચાયેલ હોય ત્યાં ખેડૂત મિત્રોને અત્રે જણાવ્યા મુજબનાં પગલા ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે.
પ્રવર્તમાન ઉભા પાકમાં ભેજ જળવાય રહે તે માટે આંતરખેડ કરવી. પાકને નિંદામણમુક્ત રાખવો, જેથી ભેજ અને પોષક તત્વો માટેની હરીફાઈ ટાળી શકાય. કપાસના પાકમાં પાળા ચડાવવા જોઈએ. ઉત્પાદન આપતા શાકભાજી પાકોને હળવું પિયત આપવું. ભેજની ખેંચ હોય ત્યારે કોઈપણ પ્રકારના ખાતરનો છંટકાવ કરવો જોઈએ નહિ. ભેજની અછતની પરિસ્થિતિમાં કેઓલીન ૪૦૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્રણ તૈયાર કરીને તેનો છંટકાવ કરવો જોઈએ. જેથી બાસ્પોત્સર્જન ઘટાડી શકાય.
ઉભા પાકમાં ભેજ બચાવવા ઘઉંના કુંવર, મગફળીની ફોતરી તેમજ અન્ય હાથવગી ખેત આડપેદાશનું આવરણ કરવું. વરસાદને અભાવે જમીનમાં ભેજની વધુ ખેંચ હોય ત્યાં ઉભા પાકને ટપક/ ફુવારા પધ્ધતિથી જીવન રક્ષક/ વચ્ચગાળાનું હળવું પિયત આપવું. રેલાવીને પિયત આપવાના કિસ્સામાં કપાસના પાકમાં એકાંતરે પાટલે પિયત આપવું.
આ અંગે વધુ જાણકારી મેળવવા માટે આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ)અને બાગાયતી પાકો માટે નાયબ બાગાયત નિયામક જૂનાગઢ, નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર– ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ