ભુજ – કચ્છ, 14 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ મહિનામાં કચ્છમાં જેનું સૌથી વધુ આકર્ષણ હોય છે તે સાતમ આઠમના લોકમેળાના દિવસો આવી પહોંચ્યા છે. 15મી ઓગસ્ટ અને 16મી ઓગસ્ટના જન્માષ્ટમની રજાઓ સાથે આવતાં લોકો દેશભક્તિના પર્વ સાથે લોકમેળા પણ માણશે. ખાસ કરીને ભુજના હમીરસર તળાવના કિનારે ભરાતા સાતમ આઠમના મેળાની તૈયારીઓ થઇ ચૂકી છે. આ બંને દિવસ દરમિયાન ભારે વરસાદ ન પડે તેવી પ્રાર્થના વેપારીઓ કરી રહ્યા છે.
ભુજમાં બે દિવસીય પરંપરાગત મેળો-
ભુજના હમીરસર કિનારે મહાદેવ નાકાથી ખેંગારપાર્ક સુધી દર વર્ષની પરંપરા મુજબ સાતમ અને આઠમના લોકમેળા નગરપાલિકાના સંચાલનમાં યોજાશે. સાતમના સામાન્ય રીતે શિતળા માતાની ધાર્મિક વિધીઓ પૂરી કરીને ગ્રામીણ લોકો મેળો મહાલવા આવતા હોય છે. આ મેળામાં ખાણીપીણી, રમકડાં અને વિવિધ જાયન્ટસ રાઇડ્સનો આનંદ લોકો લેતા હોય છે.
ત્રિદિવસીય સંયોગના લીધે લોકો ફરવાના મૂડમાં-
સાતમ આઠમના મેળાઓમાં મહાલવા ઉપરાંત કેટલાક ફરવાના શોખિન લોકો જિલ્લાના વિવિધ સ્થળોમાં પહોંચી જતા હોય છે. તિર્થધામ માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, રવેચી, જેસલ તોરલની સમાધિ, ભુજ શહેરના પરિઘમાં આવેલા સ્થળો ઉપરાંત માંડવીના દરિયાકિનારે અને ધોળાવીરા સહિતના ભાગોમાં પ્રવાસીઓ પહોંચતા હોય છે. આ વખતે તહેવારો અને રવિવાર મળીને ત્રણ રજા એક સાથે આવતાં સરકારી સહિતના કર્મચારીઓને મિનિવેકેશન મળી જતાં ફરવાના શોખિનો ભુજ કે જિલ્લા બહાર નીકળી જવાના પ્લાનમાં છે.
વિજયરાજજી લાયબ્રેરીમાં વિવિધ સંગ્રહ પ્રદર્શન'-
ભુજની મહારાજ ભૂપતસિંહજી કચ્છ કોઈન સોસાયટી અને કચ્છ ફિલાટેલિક એસોસીએશન દ્વારા સાતમ અને જન્માષ્ટમીના મેળા પ્રસંગે તા. 15 અને 16 ઓગસ્ટના 2 દિવસ માટે હમીરસર તળાવ પાસે મહારાવ વિજયરાજજી લાયબ્રેરીના વાંચનાલય હોલમાં `વિવિધ સંગ્રહ પ્રદર્શન'નું આયોજન કરાયું છે. પ્રદર્શનનું ઉદ્ઘાટન શુક્રવાર તારીખ 15ના સવારે 11 વાગ્યે કબીર મંદિર ભુજના મહંત કિશોરદાસજી કબીરપંથી, મહારાવ વિજયરાજજી પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય અને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશનના ચીફ સેક્રેટરી જગદીશભાઈ પી. ઝવેરીના હાથે પ્રદર્શન ખુલ્લુ મુકાશે.પ્રદર્શનમાં સંસ્થાના 20 સભ્યોની દેશ-વિદેશની ટિકિટો, સિક્કાઓ, નોટો, પર્યાવરણ અને વાઈલ્ડ લાઈફના કાર્ડ અને એફડીસી. ટેડીબેર, કી-ચેઈન, કેટલોગ, પુસ્તકો, પોસ્ટકાર્ડ, પ્રૂફશેટ વગેરે વિવિધ સંગ્રહ નિહાળી શકાશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA