મહેસાણા, 14 ઓગસ્ટ (હિ.સ.) મહેસાણા ખાતે આવેલ સરકારી જિલ્લા પુસ્તકાલયમાં આજે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પુસ્તકાલયના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વાચકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૌએ દેશના યુવાનો અને સમાજને નશાની આફતમાંથી મુક્ત કરવા માટે સંકલ્પ વ્યક્ત કર્યો.
શપથમાં નશાના કોઈપણ પ્રકારના સેવનથી દૂર રહેવા, પોતાના પરિવારજનો અને મિત્રો ને પણ આ દિશામાં પ્રેરિત કરવા, તથા સમાજમાં સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી પ્રચારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ. પુસ્તકાલયના પ્રભારીશ્રીએ જણાવ્યું કે નશાનો પ્રભાવ વ્યક્તિના આરોગ્ય, પરિવાર અને સામાજિક જીવન પર ગંભીર નુકસાન પહોંચાડે છે, તેથી આવાં જનજાગૃતિ કાર્યક્રમો અત્યંત જરૂરી છે.
કાર્યક્રમના અંતે વાચકોને નશાનાં દૂષણો અંગે માહિતીસભર પુસ્તકોના અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ શપથ ગ્રહણ કાર્યક્રમથી ઉપસ્થિત સૌએ નશામુક્ત સમાજ નિર્માણ માટે પોતાનું યોગદાન આપવા પ્રેરણા મેળવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR