વડોદરા 14 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા માં આવેલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લૉ ફેકલ્ટીમાં આગામી દિવસોમાં બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લેવાતા વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. NSUIના આગેવાનોના જણાવ્યા મુજબ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર કાયદાની વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે આવી ફરજિયાત બાયોમેટ્રિક હાજરી પ્રણાલીનો અમલ કરવાનો કોઈ પ્રાવધાન નથી. વિદ્યાર્થીઓનું માનવું છે કે હાજરી માટે પહેલાથી જ મેન્યુઅલ સિસ્ટમ કાર્યરત છે અને બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવાથી અનાવશ્યક તકલીફ ઊભી થશે.
NSUIના પ્રતિનિધિઓએ MSUના વહીવટી તંત્રને આવેદનપત્ર આપીને સ્પષ્ટ કર્યું કે, યુનિવર્સિટીમાં સ્ટાફ માટે બાયોમેટ્રિક સિસ્ટમ વર્ષોથી અમલમાં છે, છતાં ઘણા પ્રોફેસરો અને શિક્ષકો સમયસર હાજરી આપતા નથી અને તેમ છતાં તેમની સેલેરીમાં કોઈ કપાત થતી નથી. આવી પરિસ્થિતિમાં માત્ર વિદ્યાર્થીઓને જ કડક નિયમો હેઠળ બાંધી દેવાનું અસમાન છે. તેમણે આ નિર્ણયને તરત રદ કરવાની માંગણી કરી છે. વિદ્યાર્થી આગેવાનોનો આક્ષેપ છે કે, બાયોમેટ્રિક સિસ્ટમ અમલમાં આવશે તો ઘણા વિદ્યાર્થીઓને ટેકનિકલ ખામી, મશીનની અણઉપલબ્ધતા, અથવા આંગળીના નિશાનની ઓળખમાં સમસ્યાને કારણે હાજરી ગુમાવવાની નોબત આવશે. આ કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામો અને પરીક્ષાની લાયકાત પર સીધી અસર પડશે.
NSUIએ ચીમકી ઉચ્ચારી છે કે જો લૉ ફેકલ્ટીમાંથી બાયોમેટ્રિક હાજરીનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. તેમના જણાવ્યા મુજબ, આ મુદ્દો માત્ર લૉ ફેકલ્ટી સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી હિત સાથે સંકળાયેલો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, જરૂરી હોય તો કાનૂની માર્ગ પણ અપનાવવામાં આવશે. આ અંગે હજી યુનિવર્સિટી પ્રશાસનની કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ વિદ્યાર્થીઓના વધતા વિરોધને જોતા, આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બનવાની સંભાવના છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya