પોરબંદર, 14 ઓગસ્ટ (હિ.સ.)79 માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, સત્ય અને અહિંસાની ભૂમિ પોરબંદરમાં થવા જઈ રહી છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી અને કસ્તુરબા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા સહિત ક્રાંતિકારી સપૂતો દેશની આઝાદી માટે બ્રિટિશ સરકાર સામે અડીખમ રહીને લડ્યા હતા. આઝાદીની ચળવળમાં પોરબંદરનું પણ અનેરું યોગદાન છે. પોરબંદરનાં મહાત્મા ગાંધી ઉપરાંત છગન ખેરાજ વર્મા, કાનજીભાઈ ચૌહાણ, ગોકળદાસ થાનકી, ડાયાભાઈ પડીયા, ચુનીલાલ રાવલ સહિત સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવાનો દિવસ એટલે 15મી ઓગસ્ટનો દિવસ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની 79મી રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
રાષ્ટ્રીયપર્વની ઉજવણીના પ્રસંગે તા.14 ઓગસ્ટ તથા તા.15 ઓગસ્ટના રોજ વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ યોજાશે.તા.14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સાંજે જવાહર નવોદય વિદ્યાલય ખાતે એટહોમ કાર્યક્રમ યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહેમાનો, પોરબંદર શહેર અને જિલ્લાના આમંત્રિત પ્રબુધ્ધ નાગરિકો ઉપસ્થિત રહેશે. એટહોમ કાર્યક્રમ બાદ સાંજે 6:30 કલાકથી કે.એચ. માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ (મેગા ઇવેન્ટ) યોજાશે. જેમા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.તા.15મી ઓગસ્ટનાં રોજ કે.એચ.માધવાણી કોલેજ ખાતે 79 મો સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય કક્ષાનો મહોત્સવ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરી રાજ્યના નાગરિકોને ઉદ્બોધન કરશે. ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા યોગા, મહિલા રાયફલ ડ્રિલ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ડોગ શો તેમજ અશ્વો શો યોજાશે.
*પોલીસ વિભાગ દ્વારા યોજનાર વિવિધ શો*
યોગા:- યોગ એ પ્રાચીન ભારતની એક બહુમૂલ્ય ભેટ છે, જે મન અને શરીર વચ્ચે સદ્ભાવ લાવવા ધ્યાન કેન્દ્રિત કરે છે. યોગની લોકપ્રિયતા આપણા દેશમાં જ નહી પરંતુ વિદેશોમાં પણ છે. દેશવાસીઓ યોગને જીવનનો ભાગ બનાવે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગને પ્રાધાન્ય આપે છે. ગુજરાત પોલીસના કર્મચારીઓ વિવિધ પ્રકારની યોગ મુદ્રા રજુ કરશે.
*રાયફલ ડ્રીલ:-*
આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસની 71-મહિલા કર્મચારીઓ ધ્વારા વિવિધ રાયફલ ડ્રીલના ફાર્મેસ રજુ કરાશે. જેમા રાયફલ એક્સરસાઇઝ, રાયફલને રમકડાની જેમ ફેવરવી, ડ્રીલ સાથે ગોળ સર્કલ બનાવી અલગ અલગ એકસરસાઇઝ રજુ કરવી, એક લાઇનમાં ઉભા રહી સ્ફૂર્તિથી અલગ અલગ એકસરસાઇઝ રજુ કરવી, દરિયાના મોજા જેવી લહેરોની વેવ બનાવવી તેમજ મહાનુભાવોનું અભિવાદ કરશે.
*સાંસ્કૃતિ કાર્યક્રમ:-*
આ કાર્યક્રમમાં માં રેવા ગુજરાત/રાજસ્થાન/મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની જીવાદોરી સમાન નર્મદા માતાની અમરકંટકથી નિકળી દરિયા સુધીની સફરની ગાથા રજુ કરાશે. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના 200 થી વધુ કર્મચારીઓ ભાગ લેશે.
જેમાં સ્વાગત ગીત (શ્વોક) નમામી દેવી નર્મદે.. જેમાં વાદળી કલરના દુપટ્ટા સાથે નદીની પ્રતિકૃતિ દર્શાવવામાં આવશે. બળદ ગાડા સાથે કિસાન હળ,દાતડા અને કૃષિના ઓજારો, નદી કિનારે વસતા માછીમારો, શીવ ભગવાનની પ્રતિકૃતિ અને પરીક્રમા કરતા સાધુ સંતો,પક્ષિઓ અને પ્રાણીઓની પ્રતિકૃતિઓ, નદી કિનારે વસતા લોકો ભાતિગળ પોષાકમાં જોવા મળશે. ઉપરાંત નર્મદા ડેમનું સાકાર થતુ સપ્ત, જેની પ્રતિકૃતિ, ખેતીના ઓજારોથી થતું નિર્માણ એટલે સરદાર પટેલની ભવ્ય પ્રતિમા, પ્રધાનમંત્રીનું વિજન એટલે:-જલ જીવન મિશન 10 કરોડ ઘરોમાં પાઇપથી પાણી આપવાનું મિશન હર ઘર જલ” જેમાં અગાઉના સમયમાં કુવામાંથી પાણી ભરતી મહિલાઓ અને હાલમાં નળથી પાણી ભરતી મહિલાઓ બતાવવામાં આવશે. તેમજ માં રેવાની આરતી ઉતારવામાં આવશે.
*મોટરસાયકલ સ્ટંટ શોઃ-*
પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા બાઈકના વિવિધ સ્ટંટ શો રજૂ કરાશે. આ ટીમ ધ્વારા વર્ષ 2011 માં સ્વર્ણિમ ગુજરાતની રક્ષાશકિત ઉજવણીમાં આણંદ ખાતે મોટરસાયકલ સ્ટંટ શોનુ સુંદર પ્રદર્શન બતાવી ગુજરાત પોલીસમાં એક મોટરસાયક્લ સ્ટંટની ટીમ ઉભી કરી છે. ત્યાર બાદ મોટરસાયકલ સ્ટંટ ટીમ ધ્વારા 26 મી જાનયુઆરી/૧૫મી ઓગસ્ટ તેમજ ગુજરાત સ્થાપના દિવસની રાજયકક્ષાની ઉજવણીમાં મોટરસાયકલ સ્ટંટ શોનુ ખુબજ સુંદર પ્રદર્શન કરી નાગરિકોમાં પ્રસિધ્ધિ મેળવે છે.
જેમાં સ્ટંટમાં બાઇક પર ઉભા રહી મહાનુભાવોનુ અભિવાદન, તિરંગા અને યુનિટ ફલેગ, બાઇક પાછળ છુપાવ સ્ટંટ,
કમળની પ્રતિકૃતિ,
નમસ્તેની પ્રતિકૃતિ,
સુદામાની પ્રતિકૃતિ, મેર સમાજની વેશભૂષા,
પિસ્ટલ પોજીશન,હેન્ડલ બાર, ડબલ જવાન તિરંગા સાથે,
ઝાસીની રાણી ની પ્રતિકૃતિ, ચાર જવાન ખુલ્લા હાથે બેલેન્સ, સિંગલ પગ રાખી બેલેન્સ, ભમરાની પ્રતિકૃતિ, મંકી રોપ પોજીશન,યોગાશન
એરોહેડ પોજીશન,
હોરીઝંન્ટલ બાર, કમાન્ડો પોજીશન, ફ્લાઈંગ પોજીશન,પિરામિડ પોજીશન, એક પગથી ટાટા કરતો જવાન, ક્રોસિંગ, 15 મહિલા ઉપરથી બાઈક જમ્પ કરાવશે, સળગતી રેતીમાંથી જમ્પ સહિતનાં દિલધડક સ્ટંટ કરવામા આવશે.
*ગૌરવવંતુ પોલીસ શ્વાનદળ*
પોલીસ જવાનો દ્વારા શ્વાન શો રજૂ કરાશે. શ્વાન વફાદાર પ્રાણી છે. શ્વાન સાથેનો માનવીનો સબંધ વર્ષો જુનો છે. મહાભારતમાં પણ જ્યારે પાંડવો હિમાલયમાં હાડ ગાળવા જાય છે ત્યારે તેઓની સાથે એક શ્વાન પણ હોય છે.એ રીતે જોતા શ્વાનનું જીવન માનવીના જીવન સાથે સંકળાયેલ છે.શ્વાન તાલીમ કેન્દ્ર સૈજપુર બોઘા, અમદાવાદ ખાતે શ્વાનોને પગેરૂ શોધવાની ગંધ પારખવવાની, સ્ફોટક પદાર્થ શોધવાની, નશીલા પદાર્થ શોધવાની તાલીમ અપાય છે.
ડોગ શોમા લેબ્રાડોર, જર્મનશેફર્ડ, અને બેલ્જીયમમલીનોઇઝ જાતિના ડોગ છે. જે શ્વાનોને ટ્રેકર, સ્નીફર, નાર્કોટીક્સ,એસાલ્ટ જેવી અલગ-અલગ પ્રકારની તાલીમ શ્વાન તાલીમ કેન્દ્ર સૈજપુરબોઘા, અમદાવાદ ખાતે આપવામાં આવે છે. ગુજરાત રાજ્ય પોલીસ શ્વાનદળે અત્યાર સુધીમાં અખિલ ભારતીય શ્વાન સ્પર્ધા અને ચેંપિયન ડોગ શોમાં પ્રશસનીય કામગીરી કરી ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ,બ્રોંઝ મેડલ, ટ્રોફીઓ અને પ્રંશસાપત્રો મેળવી શ્વાનદળનું ગૌરવ વધારેલ છે. રાજયના શ્વાનદળમાં ટ્રેકર ડોગ,એકસપ્લોઝીવ ડોગ,નારકોટીકસ ડોગ અને અસાલ્ટ ડોગની અલગ-અલગ પ્રકારની કામગીરી કરી રાજયમા બનતા ગુન્હાઓને શોધવામાં પોલીસ ખાતામાં મદદરૂપ થાય છે.
માઉન્ટેડ અશ્વ-શો- આ પર્વમાં હોર્સ-શૉના દિલધડક કરતબો બતાવી તમામ દર્શકોને મંત્રમુગ્ધ કરશે. આ કરતબમાં ફ્લેક, સ્ટેન્ડિંગ સેલ્યુટ; જેમાં પુરપાટ ઝડપે દોડતા ઘોડા ઉપર રાષ્ટ્રધ્વજ સાથે મંચ ઉપર બિરાજમાન મહાનુભાવોને અભિનંદન કરાશે. દુધીરીંગપેગ; જેમા જેમાં દોડતા ઘોડા ઉપર ક્રીચ વડે દુધી કાપી રીંગ લઈ બાદમાં પેગલે લેશે. ટીમટેન્ટપેગીંગ જેમાં દોડતા ઘોડા ઉપર એક સાથે 100 મીટરની ટ્રેક ઉપર ભાલાથી જમીન ઉપર રોપેલ પેગને ઉપાડશે. ટ્રીપલ ટેન્ટ પેગીંગ જેમાં દોડતા ઘોડા ઉપર એક સાથે 100 મીટરની ટ્રેક ઉપર ભાલાથી અને લોખંડના સળિયાથી એક પછી એક જમીન ઉપર રોપેલ પેગને ઉપાડશે. ઇન્ડિયન ફાઈલ જેમાં એક સાથે છ ઘોડાઓ પૂરપાડ ઝડપે દોડતા ઘોડા ઉપર જમીન ઉપર રોપેલ પેગને ઉપાડશે. ત્યારબાદ ક્રોસ ટેન્ટ પેકિંગ અને જમ્પિંગ શો યોજાશે. આમ 79માં સ્વાતંત્ર્ય પર્વના રાજ્યકક્ષાના મહોત્સવમાં પોલીસનાં જવાનો વિવિધ કરતબ યોજી શક્તિ અને શૌર્યનું પ્રદર્શન કરશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya